જામનગર : જામનગર પંથકમાં અકસ્માતો ની હારમાળા સર્જાઇ છે અને આજે સાંજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બે જીગરજાન મિત્રોએ જીવ ગુમાવ્યા છે. સાંઢીયા પૂલ નજીક આગળ જઈ રહેલા એક ટેન્કરની પાછળ બાઈક ઘૂસી જતાં બંને મિત્રોના અંતરિયાળ મૃત્યુ નીપજયા છે. જે બનાવને લઈને ભારે કરુણતા સર્જાઇ છે.
આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ખીજડીયા બાયપાસ રોડ પર સાંઢીયા પૂલ પાસે મંગળવારે મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો. ડબલ સવારી માં જઈ રહેલું બાઈક આગળ જઈ રહેલા ટેન્કર ના પાછલા જોટામાં ઘૂસી ગયું હતું, અને ધડાકા ભેર અકસ્માત સર્જાયા પછી બાઈક સવાર બે યુવાનો કાળનો કોળીયો બન્યા છે.
જામનગરમાં રહેતા ઉદયરાજસિંહ ભાવેશસિંહ રાઠોડ અને મીત સંગાણી નામના બે મિત્રો, કે જેઓ બાઈક પર જઈ રહ્યા હતા, દરમિયાન સાંઢીયા પુલ નજીક આગળ જઈ રહેલા એક ટેન્કરમાં પાછળથી ઘુશી ગયા બાદ બંનેના સ્થળ પરજ મૃત્યુ નીપજ્યા હતા. જેથી ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
બંને મૃતકોના પરિવારજનોને જાણ થતાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. આ ઘટનાની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને બંને મૃતદેહોના કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
બંને મૃતકોને જીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓના પરિવારજનો- મિત્રો વર્તુળ વગેરે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા, અને ભારે ગમગીની છવાઈ હતી.