ન્યૂઝ ક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ, એચઆર હેડને ૭ દિવસ માટે પોલિસ કસ્ટડીમાં મોકલી અપાયા

નવીદિલ્હી, ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ અને હેડ અમિત ચક્રવર્તીને પોર્ટલને ચીન તરફી પ્રચાર કરવા માટે પૈસા મળ્યાના આરોપો બાદ આતંકવાદ વિરોધી કાયદા યુએપીએ હેઠળ દાખલ કરવામાં આવેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલી આ બન્ને વ્યક્તિને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

પોલીસે મંગળવારે ૩૦ કરતાં વધારે સ્થળો પર વ્યાપક પ્રમાણમાં તપાસ હાથ ધરી હતી, આ કેસમાં સંડોવણીમાં અનેક પત્રકારોની પૂછપરછ કરવામાં આવી હતી તથા પ્રબીર પુરકાયસ્થા અને એચઆર હેડ અમિત ચક્રવર્તીની ધરપકડ કરી હતી.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂઝક્લિક્સની દિલ્હી સ્થિત ઓફિસને સીલ કરવામાં આવી હતી. અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે ૪૬ જેટલી શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી.

આ ઉપરાંત લેપટોપ તથા મોબાઈલ ફોન સહિત કેટલાક ડિજીટલ ઉપકરણોની તપાસ કરવામાં આવી હતી. વધુ તપાસ માટે ડિજીટલ ઉપકરણો તેમ જ દસ્તાવેજોને પોતાની સાથે લઈ ગયા હતા. દિલ્હી-એનસીઆરમાં સવારથી તપાસ શરૂ કરવામાં આવી હતી.