લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વીને મોટી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યા

નોકરીના બદલામાં જમીન મામલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લાલૂ પરિવારના સભ્યોને જામીન આપી દીધા છે. RJD સુપ્રીમો લાલુ યાદવ, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને રાબડી દેવીને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ત્રણેય લોકોને 50 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. આ મામલે આગામી સુનાવણી 16 ઓક્ટોબરના રોજ થશે. આ મામલે રજૂ થવા માટે લાલુ પરિવાર પણ દિલ્હી પહોંચ્યો હતો.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે સુનાવણી દરમિયાન લાલુ પરિવારના ત્રણ સદસ્યો ઉપરાંત 17 આરોપી કોર્ટમાં રજૂ થયા હતા. લેન્ડ ફોર જોબ મામલે આ એક નવો કેસ છે. આ મામલે લાલુ યાદવની સાથે તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. CBI આ મામલની તપાસ કરી રહી છે અને તેણે 3 જુલાઈના રોજ એક ચાર્જશીટ પણ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં તેજસ્વી યાદવને આરોપી બનાવવામાં આવ્યો હતો.

રાઉઝ એવન્યુ કોર્ટે સપ્ટેમ્બરમાં લાલુ પરિવાર સહિત તમામ આરોપીઓને 4 ઓક્ટોબરના રોજ રજૂ થવાનો આદેશ આપ્યો હતો. આ મામલે સુનાવણી માટે જ લાલુ પરિવાર બિહારથી દિલ્હી આવ્યો હતો. CBI દ્વારા જે નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાં તેમાં તેજસ્વીનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું. આ અગાઉ જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાં લાલુ યાદવ, રાબડી દેવી, તેમની પુત્રી મીસા ભારતી સહિત અન્ય લોકોના નામ હતા. હાલમાં આ તમામ લોકો જામીન પર છે. 

જમીનના બદલામાં નોકરી આપવાનો આ મામલો મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાનનો છે. યુપીએ-2ની સરકારમાં લાલુ યાદવ દેશના રેલ મંત્રીના પદ પર હતા. લાલુ યાદવ પર જમીનના બદલામાં લોકોને ફ્રોડ કરીને નોકરી આપવાનો આરોપ છે. આ મુદ્દે લાલુ પરિવારને સતત ઘેરવામાં આવે છે. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. ED મની લોન્ડરિંગના એંગલથી પણ આની તપાસ કરી રહી છે. લેન્ડ ફોર જોબ્સ કેસમાં લાલુ પરિવારના નજીકના લોકોના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.