કાલોલ અર્બન બેંકના 9 ડિરેકટરોએ રાજીનામાં આપતા અનેક સવાલો

કાલોલ,કાલોલની અગ્રણિ બેંક એવી કાલોલ અર્બન કો.ઓ.બેંક જે હાલમાં 100માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. બેંકની 10 દિવસ અગાઉ યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં 100 વર્ષ થતાં શતાબ્દી સમારંભ યોજવાનુ નકકી કર્યુ છે. તેમજ આ શતાબ્દી સમારંભ યોજવા માટે રૂ.40 લાખ જેવુ માતબર ભંડોળ અનામત રાખેલ છે. બેંકની વ્યવસ્થાપક કમિટીમાં કુલ 15 ડિરેકટરો છે. તેઓની ચુંટણી ગત વર્ષ મે-2022માં આવતા 5 વર્ષ સુધી એટલે કે 2027 સુધીની થયેલ છે. આ બેંકમાં આજથી 3 દિવસ અગાઉ એક સામટા 5 ડિરેકટરો જેમાં ચેરમેન, મેનેજીંગ ડિરેકટરનો સમાવેશ થાય છે. તે સહિત 5 ડિરેકટરોએ રાજીનામા ધરી દીધા હતા.

જે રાજીનામાં બેંકની વ્યવસ્થાપક કમિટીમાં ચર્ચા અને અંતે મુલતવી રાખી વિચારણા હેઠળ એટલે કે આ ડિરેકટરોને સમજાવવા માટેના પ્રયત્નો કરવા માટે ટાળી દીધેલ પરંતુ ત્યારબાદ હાલમાં બીજા 4 જેટલા ડિરેકટરોએ પણ પોતાના રાજીનામા ધરી દીધા છે. 15 ડિરેકટરોમાંથી 9 ડિરેકટરો એક સામટા રાજીનામા ધરી દેતા સમગ્ર કાલોલમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. રાજીનામા આપનાર મોટાભાગના ડિરેકટર હોય પોતાની નાદુરસ્ત તબિયતનુ કારણ દર્શાવી રાજીનામા આપેલ છે. એક સામટા 9 જેટલા ડિરેકટરોએ રાજીનામા ધરી દેતા કાલોલ ગામમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. કેટલીક સંસ્થાઓના અગ્રણિઓ, સામાજિક અગ્રણિઓ દ્વારા રાજીનામા ધરી દેનાર ડિરેકટરોને મનાવવાની કામગીરી ચાલી રહી હોવાની માહિતી મળી છે. બેંકના સીઈઓ સાથે વાતચીત કરતા તેઓએ આ બાબતે પૃષ્ટિ આપેલ છે અને જણાવેલ છે કે,રાજીનામા આપનાર તમામ ડિરેકટરો પોતાના રાજીનામા પરત ખેંચી લેશે એવો વિશ્ર્વાસ દર્શાવેલ છે. ત્યારે એક ચોકકસ જુથ દ્વારા પોતાનો કોઈ ચોકકસ હેતુ પાર પાડવા માટે આ રાજીનામાનુ નાટક રચ્યુ હોય તેવી પણ ગામમાં ચર્ચાઓએ જોર પકડયુ છે. મોટી સંખ્યામાં રાજીનામુ આપવાથી કાયદાકિય જટીલ પ્રશ્ર્ન સર્જાયો છે. અને ગામમાં ચાલતી ચર્ચાઓ મુજબ બેંકના સીઈઓ ડિસ્ટ્રિકટ રજીસ્ટ્રાર સમક્ષ આ મામલાને લઈને જરૂરી માર્ગદર્શન મેળવવા માટે જવાના હોવાની માહિતી મળેલ છે. ત્યારે સીઈઓ સાથે વાતચીત કરતા તમામ રાજીનામા પરત ખેંચી લેવાશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે.