જોધપુર, ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગે નિવેદન આપ્યા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જોધપુર હાઈકોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરતી વખતે તેમણે કહ્યું, ’ઘણા ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વિશે વાત કરી છે. મેં મારા નિવેદનમાં કહ્યું હતું કે ’મેં સાંભળ્યું છે કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે’. આ મારા પોતાના વિચારો નથી. હું બિનશરતી માફી માંગવા પણ તૈયાર છું. હવે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ આ મામલે ૭ નવેમ્બરે સુનાવણી કરશે.
લગભગ એક મહિના પહેલા પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સીએમ ગેહલોતે કહ્યું હતું કે, ’આજે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. મેં સાંભળ્યું છે કે કેટલાક વકીલો પોતે જ ચુકાદો લખે છે અને એ જ ચુકાદો સંભળાવે છે. ન્યાયતંત્રમાં શું થઈ રહ્યું છે? નીચલી હોય કે ઉપરની (કોર્ટ) બાબતો ગંભીર છે અને લોકોએ તેના વિશે વિચારવું જોઈએ. આ નિવેદન બાદ સીએમનો ઘણો વિરોધ થયો હતો. અનેક જગ્યાએ વકીલો દ્વારા દેખાવો અને હડતાળ કરવામાં આવી હતી. સીએમ ગેહલોત પોતે જોધપુરમાં એડવોકેટ એસોસિએશનના સભ્ય છે. આવી સ્થિતિમાં એસોસિએશનના પ્રમુખે કહ્યું હતું કે જો સીએમ માફી માંગે તો મામલો અહીં જ ખતમ થઈ જશે. પરંતુ તે સમયે મુખ્યમંત્રી કહેતા હતા કે આ મંતવ્યો તેમના નથી.
વિરોધ વધતાં મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કર્યું હતું કે, ’ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગે મેં જે કહ્યું તે મારો અંગત અભિપ્રાય નથી. મેં સાંભળ્યું છે કે ઘણા વકીલો જે ચુકાદો લખે છે અને લઈ જાય છે તે જ ચુકાદો કોર્ટમાંથી આવે છે. મેં હંમેશા ન્યાયતંત્રનું સન્માન અને વિશ્ર્વાસ કર્યો છે. સુપ્રીમ કોર્ટના ઘણા નિવૃત્ત ન્યાયાધીશો અને નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશોએ સમયાંતરે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગે ટિપ્પણી કરી છે અને તેના પર ચિંતા વ્યક્ત કરી છે. મને ન્યાયતંત્રમાં એટલો વિશ્ર્વાસ છે કે મુખ્ય પ્રધાન તરીકે ન્યાયાધીશોની નિમણૂક માટે હાઇકોર્ટ કોલેજિયમના નામો અમારી પાસે ટિપ્પણી માટે આવે છે. મેં તેમના પર ક્યારેય કોઈ પ્રતિકૂળ ટિપ્પણી કરી નથી. હું સ્પષ્ટપણે માનું છું કે દરેક નાગરિકે ન્યાયતંત્રનું સન્માન અને વિશ્ર્વાસ રાખવો જોઈએ. તેનાથી લોકશાહી મજબૂત થશે.