વલસાડની શાહ એન.એચ કોલેજમાં કોમર્સનું સેમેસ્ટર-૫નું એકાઉન્ટનું પેપર લીક, વિદ્યાર્થીઓનો હોબાળો

વલસાડ,\ ગુજરાતમાં વધુ એક વખત પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. વલસાડમાં શાહ એન.એચ. કોમર્સ કોલેજમાં બી.કોમ.ની આંતરિક પરીક્ષાઓ લેવાઈ રહી છે. જેમાં સેમેસ્ટર-૫નું એકાઉન્ટનું પેપર પરીક્ષા પહેલા જ લીક થયાનો વિદ્યાર્થીઓ દ્વારા આરોપ લગવવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં સુત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. અત્યાર સુધીમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં ઘણીવાર પેપર લીકની ઘટના બની ચૂકી છે. જેના કારણે સરકારે પરીક્ષાઓ રદ કરવી પડી હતી. ત્યારે હવે કોલેજમાં પણ આ પ્રકારની પેપરલીકની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડની શાહ એન.એચ કોમર્સ કોલેજમાં સેમેસ્ટર-૫માં બી.કોમનું એકાઉન્ટનું પેપર લીક થયું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજના આચાર્યની ઓફિસે જઈને સુત્રોચ્ચાર કર્યા હતા. પેપર લીક થવાની ઘટનાને લઈને કોલેજના શિક્ષકની સંડોવણીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જોકે અન્ય વિદ્યાર્થી સંગઠનો અને પેપર લીક પકડી પાડનાર વિદ્યાર્થીના સંગઠનો વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રિન્સિપાલની ઓફિસમાં અન્ય વિદ્યાર્થી સંગઠનો આવીને ક્રેડિટ લેતા હોવાને લઈને બંને વચ્ચે ગરમા ગરમી સર્જાઈ હતી.