પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારોનો સીલસીલો યથાવત છે. હિન્દુઓની દેશમાં સાવ પાંખી વસતી હોવા છતા કટ્ટરવાદીઓને તે આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે.
સિંધ પ્રાંતમાં એક હિન્દુ યુવતીને 30 સપ્ટેમ્બરે ઘરેથી ઉઠાવી જઈને તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલામાં ફરિયાદ નોંધવામાં પણ બે દિવસ લગાડી દીધા હતા અને હજી સુધી એક પણ આરોપોની ધરપકડ કરવામાં આવી નથી.
કોહલી સમુદાયની15 વર્ષની યુવતીનુ 30 સપ્ટેમ્બરે અપહરણ કરવામાં આવ્યુ હતુ. સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયોમાં યુવતીએ કહ્યુ હતુ કે, સાત યુવકોએ મારું અપહરણ કરીને મારા પર ગેંગરેપ કર્યો હતો. પોલીસે મારી ફરિયાદ નોંધવામાં પણ આનાકાની કરી હતી. મારા પરિવારે કેટલાય ધક્કા ખાધા હતા અને એ પછી પોલીસે કાર્યવાહી કરી હતી.
સિંધ પ્રાંતમાં આ મહિને એક બીમાર હિન્દુ યુવતી સાથે રેપનો મામલો સામે આવ્યો હતો અને આ યુવતી જે હોસ્પિટલમાં સારવાર કરાવવા ગઈ હતી ત્યાંના ડોકટરોએ જ તેના પર રેપ કર્યો હતો. બાદમાં સારવાર દરમિયાન તેનુ મોત થયુ હતુ.