નાગપુરના રિસોર્ટમાં સેમી ન્યૂડ ડાન્સ પાર્ટી પર દરોડો: ૩૭ પકડાયા

મુંબઈ :  નાગપુર નજીક પંચગાવમાં આવેલ એક રિસોર્ટમાં ચાલી રહેલ અશ્લીલ ડાન્સ પાર્ટી પર છાપો મારી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ૩૭ લોકોને પકડી પાડયા હતા. અહીં નર્તકો સહિત અમૂક લોકો અર્ધનગ્ન થઈ  ડાન્સ કરતા પકડાયા હતા. 

આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર છાપો મારવાની કાર્યવાહી રવિવારે મોડી રાત્રે હાથ ધરવામાં આવી હતી. 

એક બાતમીના આધારે પોલીસ રિસોર્ટ પર પહોંચી હતી. ત્યાં લાઉડ મ્યુઝિકના સહારે કેટલાય લોકો ઝૂમી રહ્યા હતા. તેમાંથી અનેક લોકા અર્ધનગ્ન હાલતમાં હતા. પોલીસે અચાનક દરોડો પાડતાં રંગમાં ભંગ પડયો હતો અને ચીસાચીસ સાથે ભાગમભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે મ્યુઝિક બંધ કરાવી , રિસોર્ટના રસ્તા બ્લોક કરી તમામની ધરપકડ કરી હતી. 

પોલીસે અહીંથી કુલ ૩૭ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ૧૩ ડાન્સરોનો સમાવેશ થતો હતો. આ પાર્ટીનું આયોજન જંતુનાશક દવાનો વેપાર કરતી એક કંપનીએ તેના પાસેથી રૃા.૭૫ હજારથી વધુની ખરીદી કરનારાઓને પ્રોત્સાહન તરીકે આયોજિત કરી હતી.

પોલીસે પાંચ એસયુવી, દારૃની બોટલો અને ૧.૧૨ લાખની રોકડ રકમ ઘટનાસ્થળેથી જપ્ત કરી હતી. આ સંદર્ભે પોલીસે આઈપીસીની વિવિધ કલમો અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.