- મહારાષ્ટ્રમાં હોસ્પિટલમાં મોત પર રાજકારણ ગરમાયું, શરદ પવાર-રાહુલ ગાંધી સહિતના નેતાઓએ સરકાર પર પ્રહાર કર્યા.
મુંબઇ, મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે ૨૪ દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો હતો ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વધુ સાત દર્દીઓના મોતથી ૩૬ કલાકમાં હોસ્પિટલમાં મૃતકોની સંખ્યા ૨૪થી વધીને ૩૧ થઈ છે.
મહારાષ્ટ્રના નાંદેડમાં સ્વાસ્થ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. બીજી બાજુ રાજ્યના વિપક્ષી દળોએ પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતને બરતરફ કરવાની માંગણી અંગે એકનાથ શિંદે સરકાર પર પ્રહાર કર્યા છે.
હોસ્પિટલના ડીન એસ.વાકોડેએ મીડિયાને જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ ૧૨ શિશુઓના અલગ અલગ કારણસર મોત થયા. મૃતકોમાં ૬ બાળક અને ૬ બાળકીઓ હતી. જ્યારે મૃતકોમાં ૧૨ વયસ્કોમાં મોટાભાગના સાપના દંશથી મૃત્યુ પામ્યા. તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા મોટાભાગના દર્દીઓને પહેલેથી જ ગંભીર બીમારી હતી. તેમણે હોસ્પિટલમાં સંસાધનોની કમીના રોંદણા પણ રડ્યા.
બીજી બાજુ કોંગ્રેસે નાંદેડમાં દર્દીઓના મોત પર શિંદે સરકાર પર નિશાન સાધ્યું છે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિષય પર બોલવું જોઈએ. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે દવાઓની કમીના પગલે મહારાષ્ટ્રમાં દર્દીઓના મોત થયાના દુખદ સમાચાર મળ્યા. ઈશ્ર્વર દિવંગત આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. તેમણે કહ્યું કે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારોને વળતર આપવામાં આવે.
રાજ્યના પૂર્વ સીએમ અને નાંદેડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌહાણે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મૃતકો ઉપરાંત જિલ્લાની બીજી હોસ્પિટલોમાં પણ ૭૦ દર્દીઓ રેફર કરાયા છે. જેમની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે એક જ દિવસમાં હોસ્પિટલમાં આટલા લોકો માર્યા ગયા. આ એક ગંભીર મુદ્દો છે.
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેએ નાંદેડની સરકારી હોસ્પિટલમાં થયેલા દર્દીઓના મોત પર ઊંડું દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે પ્રદેશની ટ્રિપલ એન્જિન સરકાર મારયા ગયેલા ૨૪ નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર છે. શિવસેના (યુબીટી)ના ઉપ નેતા સુષમા અંધારેએ પણ આ મામલે શિંદે સરકારને ઘેરી. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રી સાવંત સંપૂર્ણ રીતે ફેલ થયા છે. સીએમ શિંદેએ તેમને તરત મંત્રીમંડળમાંથી બરતરફ કરવાની માંગણી કરી.
એનસીપીના નેતા શરદ પવારે કહ્યું કે, આ ઘટનાએ સરકારની નિષ્ફળતાનો પર્દાફાશ કર્યો છે, સરકારની જવાબદારી છે કે તે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરે. શરદ પવારે કહ્યું, નાંદેડની એક સરકારી હોસ્પિટલમાં લોકોના મોત થયા છે. ઘટનામાં ૧૨ નવજાત શિશુઓના પણ જીવ ગયા છે. આ ચોકાવનારી ઘટના છે. ઠાણેના કલવા હોસ્પિટલમાં પણ આવી જ ઘટના બની હતી અને હવે ઘટનાને ગંભીરતાથી ના લેવાને કારણે નાંદેડમાંમોત થયા છે. આ સરકારની નિષ્ફળતા છે. શરદ પવારે આગ્રહ કર્યો કે તે દર્દીઓના જીવની ચિંતા્ કરે અને જલ્દી યોગ્ય પગલા ભરે.
બીજી તરફ પ્રિયંકા ચતુર્વેદીએ આ તમામ મોતને શરમજનક ગણાવી હતી અને કહ્યું કે આ મર્ડર છે.શિવશેના (યુબીટી)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સરકાર પર પ્રહાર કરતા એક્સ પર લખ્યુ, કૃપયા તેને મોત ના કહો, આ ગેરબંધારણીય સરકાર તરફથી કરવામાં આવેલી બેદરકારીને કારણે હત્યા છે. રાજ્ય સરકાર અલગ અલગ કાર્યક્રમો અને વિદેશ યાત્રાઓના પ્લાનિંગમાં વ્યસ્ત છે. તે ભૂલી ગયા છે કે તેમનું કામ રાજ્યની સેવા કરવાનું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યુ, નાંદેડ, મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં દવાઓની કમીને કારણે ૧૨ નવજાત શિશુઓ સહિત ૨૪ લોકોના મોતના સમાચાર અત્યંત દુ:ખદ છે. તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂં છું. ભાજપ સરકાર હજારો કરોડ રૂપિયા પોતાના પ્રચારમાં ખર્ચ કરે છે પણ બાળકોની દવા માટે પૈસા નથી? ભાજપની નજરમાં ગરીબોના જીવનની કોઇ કિંમત નથી.