ઝારખંડમાં ભારે વરસાદના કારણે વીજળી પડવાથી વિવિધ અકસ્માતોમાં આઠના મોત થયા

  • ઝારખંડમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તે ૪ ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે.

રાંચી, ઝારખંડમાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે રાજ્યમાં વિવિધ અકસ્માતોમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃત્યુ પામેલાઓમાં રાંચીના એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. તમને જણાવી દઈએ કે શનિવાર સાંજથી રાજ્યના ઘણા ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક કલ્વર્ટ અને ડાયવર્ઝનને પણ નુક્સાન થયું છે.

સમાચાર અનુસાર, રાંચીના લાલપુર વિસ્તારના હતમા સરાઈતંડમાં રવિવારે એક ૨૮ વર્ષીય યુવક ઓવરફ્લો થતા નાળામાં પડી ગયો હતો. ઘટના સ્થળથી લગભગ અઢી કિલોમીટર દૂર સોમવારે સવારે વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ દેવ પ્રસાદ ઉર્ફે છોટુ તરીકે થઈ છે. રિકવરી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ઝારખંડના જામતારા જિલ્લામાં રવિવારે એક મહિલા અને તેના દોઢ વર્ષથી સાત વર્ષના ત્રણ બાળકો પર વીજળી પડી હતી, જેના પરિણામે ચારેયના મોત થયા હતા.

નારાયણપુર પોલીસ સ્ટેશનના પ્રભારી દિલીપ કુમારે જણાવ્યું કે આ ઘટના ચાંદડીહ લખનપુરમાં બની હતી. બોકારો જિલ્લામાં એક માટીના મકાનની દિવાલ નીચે દબાઈ જવાથી એક બાળકનું મોત થયું હતું. પલામુ જિલ્લાના માયાપુર ગામમાં નવ અને ૧૨ વર્ષની બે છોકરીઓ તળાવમાં ડૂબી ગઈ. બંને મૃત્યુ પામ્યા. ભારે વરસાદને કારણે, રાંચીના રતુ વિસ્તારમાં એનએચ-૩૯ પર એક ડાયવર્ઝન ધોવાઈ ગયું, જેના કારણે રાંચી-ડાલ્ટનગંજ રોડ પર ટ્રાફિક ખોરવાઈ ગયો.

હવામાન વિભાગે લોહરદગા, ગુમલા અને સિમડેગાના ભાગોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે પણ અહીં ભારે વરસાદ પડી શકે છે. રાંચી હવામાન કેન્દ્રના પ્રભારી અભિષેક આનંદે જણાવ્યું હતું કે લો પ્રેશર સિસ્ટમના કારણે ઝારખંડમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તે ૪ ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે.