ચીનથી ફંડિંગ લેવાના મામલામાં દિલ્હી પોલીસે ડિજીટલ ન્યુઝ પોર્ટલ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા પત્રકારોને સંબંધિત સ્થળો પર દરોડા પાડ્યા છે, સાથે ઘણા અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. એક સાથે 30 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમે આજે મંગળવારે વહેલી સવારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં એક સાથે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસના સ્પેશિયલ સેલે પત્રકારોના મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર સહિત અનેક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત કર્યા છે. પોલીસે UAPA હેઠળ કેસ નોંધ્યો છે.
વરિષ્ઠ પત્રકાર અભિસાર શર્માએ એક્સ પર લખ્યું છે કે દિલ્હી પોલીસ મારા ઘરે પહોંચી છે. મારું લેપટોપ અને ફોન છીનવી લેવામાં આવ્યા છે. આ સિવાય હાર્ડ ડિસ્કનો ડેટા પણ લેવામાં આવ્યો છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, NDTVના પૂર્વ મેનેજિંગ એડિટર ઔનિન્દ્યો ચક્રવર્તી, ઉર્મિલેશ અને અભિસાર શર્માની ચીનથી ફંડિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વરિષ્ઠ પત્રકાર ભાષા સિંહ, ઉર્મિલેશ, ન્યૂઝક્લિકના સંપાદક પ્રબીર પુરકાયસ્થ અને લેખિકા ગીતા હરિહરન, જાણીતા પત્રકાર અને રાજકીય અર્થવ્યવસ્થાના વિવેચક ઔનિંદ્યો ચક્રવર્તી, કાર્યકર અને ઇતિહાસકાર સોહેલ હાશ્મી, અને વ્યંગકાર અને સ્ટેન્ડ-અપ કૉમિક સંજય રાજૌરા હતાના સ્થળો પર દરોડા પધાવમાં આવ્યા છે. ઉપરાંત સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડના ઘર પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ધરપકડ અંગે હજુ પુષ્ટિ થઈ નથી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વધુ માહિતી શેર કરશે. ઓગસ્ટ મહિનામાં ન્યૂયોર્ક ટાઈમ્સની તપાસમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ન્યૂઝક્લિક એ સંગઠનોમાંથી એક છે જેને અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમ સાથે જોડાયેલા નેટવર્ક ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું, જે ચીનના પ્રોપગંડાને પ્રોત્સાહન આપે છે.
ભારતીય જનતા પાર્ટીએ ન્યૂઝક્લિક પર ચીનને સમર્થન આપીને ભારતમાં વાતાવરણ બગાડવાનો આરોપ લગાવ્યો હતો. EDએ માહિતી આપી હતી કે ન્યૂઝ ક્લિકને વિદેશમાંથી લગભગ 38 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું હતું. જે બાદ ભાજપે આરોપ લગાવ્યો હતો કે 2005 થી 2014 વચ્ચે કોંગ્રેસને પણ ચીન પાસેથી ખૂબ પૈસા મળ્યા હતા.
સ્પેશિયલ સેલે ન્યૂઝક્લિક અમે UAPA હેઠળ કેસ નોંધ્યો છે. અગાઉ દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે પણ કેસ નોંધ્યો હતો. આ સાથે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટે પણ કાર્યવાહી કરી હતી. ત્યારે હાઈકોર્ટે ન્યૂઝક્લિકના પ્રમોટરોને ધરપકડમાંથી રાહત આપી હતી, પરંતુ હવે આ કેસના આરોપીઓની ધરપકડ થઈ શકે છે.