Mehsana : મહેસાણાના જોટાણામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના ઘરમાં થયેલી લૂંટ મામલે પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ છે. તો પોલીસની કામગીરી નબળી હોવાના આક્ષેપ સાથે જોટાણાના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ જોટાણા ગામ બંધનું એલાન આપ્યું છે.
આ ઉપરાંત શહેરના તમામ બજાર પણ અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવાયા છે. તમામ લોકોની માગ છે, કે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરમાં જે લૂંટનો બનાવ બન્યો. તેના આરોપીને જલ્દી પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, 25 સપ્ટેમ્બરે જોટાણામાં લૂંટારુઓએ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરમાં 44 લાખ જેટલી મત્તાની લૂંટ કરી હતી. બપોરના સમયે જ્યારે ઘરમાં 3 મહિલાઓ અને 2 બાળકો આરામ કરી રહ્યા હતા ત્યારે 5 જેટલા લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા.
લૂંટારુઓએ પિસ્તોલ અને છરીના દમ પર બાળકો, મહિલા અને વૃદ્ધાને કપડાથી બાંધી દીધા હતા અને તે લોકોને બંધક બનાવીને સોના-ચાંદીના ઘરેણાં સહિત રોકડ લૂંટી ગયા હતા. આરોપીએ ઘરમાંથી કશુ જ છોડ્યું નહીં. બાળકો માટે રૂપિયા ભેગા કરેલા ગલ્લાને પણ લઇ ગયા હતા. તો, હવે કોંગ્રેસ નેતા સમર્થિત ગ્રામજનોની માગ છે કે લૂંટારૂઓને જલ્દી પકડીને કાર્યવાહી કરવામાં આવે.