
દમણની નાનાઝ પેલેસ હોટલમાં ચોકાવનારી ઘટના બની છે. નડિયાદથી એક પરિવાર દમણ ફરવા આવ્યો હતો, અને નાનાઝ પેલેસમાં રોકાયો હતો. જ્યાં હોટેલના બાથરૂમમાં પરિવારને કરંટ લાગ્યો હતો. જેમાં પિતા-પુત્રનું મોત નિપજ્યુ છે. તો પત્ની ઈજાગ્રસ્ત થઈ છે. હોટેલ વિરુદ્ધ કેસ દમણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દમણ પોલીસે હાલ તો આકસ્મિક મોતની ફરિયાદ લઇને મોતનું સાચું કારણ જાણવા માટે એફએસએલ ટીમની મદદ લઇને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદથી દમણ ફરવા આવેલા વાઘેલા પરિવાર સાથે મોટી દુર્ઘટના બની હતી. નડિયાદના તલાવડી વિસ્તારમાં રહેતા વાઘેલા પરિવાર શનિવાર અને રવિવારની રજા હોઈ સંઘપ્રદેશ દમણમાં ફરવા માટે આવ્યા હતા. વાઘેલા પરિવારે નાની દમણમાં આવેલી નાનાઝ હોટલમાં બુકિંગ કરાવ્યું હતું. શનિવારે રાતે 35 વર્ષીય શ્રીકાંત વાઘેલા, તેમના પત્ની કિંજલ વાઘેલા અને 6 વર્ષીય પુત્ર શ્રીસેન વાઘેલાએ સીફેસ પર આવેલી હોટલ નાનાઝ પેલેસમાં ચેક ઈન કર્યુ હતું. તેઓને હોટલનો 301 નંબરનો રૂમ ફાળવાયો હતો.
મોડી સાંજે શ્રીકાંત વાઘેલા તેમના પુત્ર શ્રીસેન નાહવા માટે બાથરૂમમાં ગયા હતા. ત્યારે તેઓએ ઈલેક્ટ્રિક ગીઝર ચાલુ કર્યો તો તેમને કરંટ લાગ્યો હતો. કરંટ એટલો જોરદાર હતો કે, પિતા પુત્ર બાથરૂમમાં જ ઢળી પડ્યા હતા. તેથી તેમને બચાવવા પત્ની કિંજલ દોડી ગઈ હતી. તો કિંજલ વાઘેલાને પણ કરંટ લાગ્યો હતો. આ કરંટ એટલો જીવલેણ હતો કે, પિતા પુત્રનું ત્યા જ મોત થયુ હુતું. તબીબોએ બંનેને મૃત જાહેર કર્યાં હતા. તો પત્ની ઈજાગ્રસ્ત થઈ છે. \
દમણ પોલીસે હોટલ સંચાલક સામે ગંભીર બેદરકારી દાખવવા બદલ આઇપીસી 285 અને 304 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાથે જ 7 દિવસમાં ઇલેક્ટ્રિક સેફ્ટી ઓડિટના આદેશ કરાયા છે. આ કેસમાં એફએસએલ અને વીજ કંપનીની મદદ લેવાઈ છે, જેમાં કરંટ કેવી રીતે લાગ્યો તે તપાસવામાં આવશે. કલમ 285 (બેદરકારી) અને 304 (A) (બેદરકારીથી મૃત્યુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ નાનાઝ હોટલ સીલ કરવામાં આવી છે.