કેનેડામાં ભારત વિરુદ્ધ નાપાક હરકતો કરી રહેલા ખાલિસ્તાની આતંકવાદીઓએ દિલ્હીમાં પણ આવું જ કૃત્ય કર્યું છે. અલગતાવાદીઓએ પોતાની હાજરી નોંધાવવા માટે દિલ્હીમાં કાશ્મીરી ગેટ પાસે ફ્લાયઓવરની નીચે દીવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખ્યા હતા. બુધવારે બનેલી આ ઘટના બાદ પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્પ્રે પેઈન્ટથી દીવાલ પરથી સૂત્રો હટાવી દીધા છે. આ સાથે જ પોલીસે આઈપીસીની કલમ હેઠળ કેસ નોંધ્યો છે. સૂત્રો લખનારા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પુલની બંને બાજુએ ‘દિલ્હી બનેગા ખાલિસ્તાન’ જેવા સૂત્રો લખેલા હતા. ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ આ સૂત્રો જોયા હતા. પોતાનું નામ જાહેર ન કરવાની વિનંતી કરતાં એક રાહદારીએ અમને ફોન કરીને આ અંગે સૂચના આપી હતી. આઈપીસીની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ માટે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આજુબાજુમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. અધિકારીએ વધુમાં કહ્યું કે, ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.
દરમિયાન, કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરુપતવંત સિંહ પન્નુને પણ એક વીડિયો જારી કરીને દિલ્હીમાં ખાલિસ્તાની સૂત્રો લખવાની વાત કરી હતી. એટલું જ નહીં તેણે દેશની સંસદ અને વર્લ્ડ કપ મેચો દરમિયાન હુમલાની ધમકી પણ આપી છે.
પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદીઓને કાબૂમાં લેવા માટે દેશની તમામ સુરક્ષા એજન્સીઓ એક થઈ ગઈ છે. આ અંતર્ગત NIAએ ખાલિસ્તાની ગતિવિધિઓ, આતંકવાદી ગતિવિધિઓ, ટેરર ફંડિંગ અને ગેંગસ્ટર્સને ખતમ કરવા માટે 5-6 ઓક્ટોબરે દિલ્હીમાં એક મોટી બેઠક બોલાવી છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકમાં NIA ચીફ, IB ચીફ, RAW ચીફ અને ATSના વડાઓ ભાગ લેશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બેઠકનો મુખ્ય એજન્ડા ખાલિસ્તાની આતંકવાદીઓની કમર તોડી નાંખવાનો છે.