રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. બાદમાં લાંબા વિરામ બાદ ફરીથી વરસાદી વાતાવરણ સર્જાયું.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારમાં અને તેની સાથે સંકળાયેલા જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. જેમાં વલસાડ,નવસારી,તાપી,ડાંગ,સુરત અને સૌરાષ્ટ્રના અમરેલી,ગીર-સોમનાથ,જુનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. મુંબઈમાં ભારે વરસાદની પગલે તેની અસર વલસાડ જિલ્લા પર જોવા મળી રહી છે.જેથી આ જિલ્લામાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. આ સાથે કચ્છ, ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જો કે બે દિવસ બાદ સિસ્ટમ ક્લીયર થતાં વરસાદનું પ્રમાણ ઓછુ થશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.