મુંબઇ, આઇસીસી વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ની શરૂઆત ૫ ઓક્ટોબરથી થવાની છે. વર્લ્ડકપની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ વર્લ્ડ કપ શરૂ થતા પહેલા પાકિસ્તાની ટીમને મોટી ભેટ મળી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબરની સેનાને ગિફ્ટ આપતાં તેમની સેલેરીમાં વધારો જાહેર કર્યો છે.
પગાર વધારવા માટે ખેલાડીઓને એ, બી, સી અને ડી એમ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન શાહ આફ્રિદીને કેટેગરી એમાં સામેલ કરવામાં આવ્યા છે. કેટેગરી બીમાં ફખર ઝમાન, હરીસ રઉફ, ઇમામ ઉલ હક, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ અને શાદાબ ખાનનો સમાવેશ થાય છે. કેટેગરી સીમાં ઇમાદ વસીમ અને અબ્દુલ્લા શફીકનો સમાવેશ થાય છે. કેટેગરી ડીમાં ફહીમ અશરફ, હસન અલી, ઇહસાનુલ્લાહ, ઇતિખાર અહેમદ, મોહમ્મદ હેરિસ, મોહમ્મદ વસીમ જુનિયર, સૈમ અયુબ, સલમાન અલી આગા, સરફરાઝ અહેમદ, સૌદ શકીલ, શાહનવાઝ દહાની, શાન મસૂદ, ઉસામા મીર અને ઝમાન ખાનનો સમાવેશ થાય છે.
ટેસ્ટ માટે ખેલાડીઓની સૌથી વધુ મેચ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ટેસ્ટ મેચની ફીમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વન-ડે માટે ૨૫ ટકા અને ટી-૨૦ માટે ૧૨.૫ ટકા પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનના ૨૫ ખેલાડીઓની સેલેરીમાં વધારો થવા જઇ રહ્યો છે. પીસીબી મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ઝકા અશરફે કહ્યું કે, અમારું માનવું છે કે અમારા ખેલાડીઓ પાકિસ્તાન ક્રિકેટની સાચી સંપત્તિ છે અને તેમની સુખાકારી સુનિશ્ર્ચિત કરવી એ અમારી ટોચની પ્રાથમિક્તા છે. આ સાથે જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આ વિશે કહ્યું કે પીસીબીએ ખેલાડીઓ સાથે કરાર કર્યા છે, આ ખૂબ જ સારો વિચાર છે. હું આ કરારથી ખૂબ જ ખુશ છું અને સંતુષ્ટ છું કે અમે પીસીબી સાથે કરાર કરી ચૂક્યા છીએ.
વર્લ્ડ કપ રમવા માટે પાકિસ્તાની ટીમ ભારત આવી પહોંચી છે. હૈદરાબાદ એરપોર્ટ પર ટીમનું આગમન થયું હતું. સાત વર્ષ બાદ પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત આવી છે.