રાજકોટમાં પતિના મોત બાદ વિમાની રકમ બે- બે વખત પચાવી પાડી

રાજકોટ,શહેરના કોઠારીયા કોલોનીમાં રહેતી ચેતના ભાલારા નામની વિધવાએ પતિના મૃત્યુ બાદ વિમાની બેવડી રકમ પચાવી પાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. દિલ્હી ખાતેની બેંક અને મહિલા વચ્ચે સમાધાન થયુ હતુ. જે બાદ મહિલાએ બેંક પાસેથી સેટલમેન્ટની રકમ મેળવી અને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કચેરીમાં અરજી કરીને વધુ રકમ બેંક પાસેથી મેળવી હતી. સમગ્ર મામલે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદના હિસાબી અધિકારી પ્રકાશ કુમાર ચૌહાણ દ્વારા સોલા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૪૦૬, ૪૨૦ અંતર્ગત ચેતના ભાલારા વિરુદ્ધ રૂપિયા ૬,૦૯,૮૨૮ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, ચેતના ભાલારા અને અને તેમના પતિ નીતિન ભાલારાએ આઇસીઆઇસીઆઇ બેન્ક પાસેથી આઇસીઆઇસીઆઇ લાઇફ ઇસ્યોરન્સ કંપની લિમિટેડની પાંચ લાખ રૂપિયાની જીવન વીમા પોલિસી લીધી હતી. ચેતનાબેનના પતિની તબિયત બગડતા સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા. જેથી ચેતના બેને વિમાની રકમ મેળવવા માટે કંપની લિમિટેડ વિરુદ્ધ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી. જે અંતર્ગત ચેતના પાલારાને પાંચ લાખ રૂપિયા તેમાં ૩૦ માર્ચ ૨૦૦૯થી ૮% ના ચડત વ્યાજ સાથે ૩૦ દિવસમાં ચૂકવી આપવાના રહેશે તે પ્રકારનો ચુકાદો આપવામાં આવ્યો હતો.ત્યારબાદ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદ ખાતે તેમજ નેશનલ કમિશન દિલ્હી ખાતે પણ અપીલ કરવામાં આવી હતી. જ્યાં બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં ચેતનાબેન ભાલારાને પાંચ લાખ પચાસ હજાર રૂપિયા ત્રણ અઠવાડિયામાં ચૂકવી આપવાનું જણાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત ડીડી મારફતે ચેતનાબેન ને પાંચ લાખ પચાસ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વિધવા દ્વારા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદ ખાતે ફરિયાદ દાખલ કરી ૭,૧૯,૮૨૮ રૂપિયા લીધા હતા. લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન લિમિટેડ જમા કરેલ રકમ પરત મેળવવા માટે ફરિયાદ દાખલ કરી હતી. જે નોટિસ અંતર્ગત એક લાખ ૧૦ હજાર રૂપિયા ચેતના બેને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદ ખાતે જમા કરાવ્યા હતા.

તેમજ બાકી રહેતી છ લાખથી પણ વધુની રકમ પોતે ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં પરત કરી દેશે તે પ્રકારની લેખિત બાંહેધરી પણ આપી હતી. પરંતુ ચેતનાબેન દ્વારા રકમ પરત ન કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.