અમદાવાદમાં દેહવેપારના ઘંધાનો પોલીસે પર્દાફાશ કર્યો

અમદાવાદ, શહેરમાં બિલાડીના ટોપની જેમ સ્પા સેન્ટરો ખુલી ગયા છે. જેમાં મોટાભાગના સ્પા સેન્ટરોમાં મસાજના નામે દેહવેપારનો ધંધો ખુલ્લેઆમ ધમધમે છે. મહિલા પોલીસ છેલ્લા ઘણા વર્ષોથી નામ પુરતી કાર્યવાહી કરી રહી છે, ત્યારે સ્થાનિક પોલીસ હવે સ્પા સેન્ટરમાં રેડ કરીને દેહવેપારનો પર્દાફાશ કરી રહી છે. ઓઢવના એસપી રીંગ રોડ પર આવેલા બોઘી ઇન્ટરનેશનલ સ્પા સેન્ટરમાં ઓઢવ પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

પોલીસે મીઝોરમ, નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યોની આઠ યુવતીઓને રેકસ્યૂ કરી છે. સ્પા સેન્ટરની આડમાં દેહવેપારનો ધંધો ચાલતો હતો. જેમાં પોલીસે ડમી ગ્રાહક મોકલીને પર્દાફાશ કર્યો છે. ઓઢવ પોલીસને બાતમી મળી હતી કે, ઓઢવ એસપી રીંગ રોડ ખાતે આવેલા ધર્મકુંજ આર્કેડના ચોથા માળે બોધિ ઇન્ટરનેશનલ સ્પા સેન્ટર આવેલું છે, જેમાં દેહવેપારનો ધંધો ચાલી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે રેડ કરવાનો પ્લાન બનાવ્યો અને એક ડમી ગ્રાહક ઉભો કર્યો હતો. ડમી ગ્રાહકને બે હજારની ચલણી નોટો આપી હતી અને સમજાવી દીધો હતો કે સ્પા સેન્ટરમાં મેનેજર અને માલિક હોય તો તેને યુવતી સાથે સેક્સ કરવાની માંગણી કરીને ભાવતાલ નક્કી કરવાનો છે. ભાવતાલ નક્કી થઇ ગયા બાદ પોલીસને મિસકોલ મારીને સિગ્નલ આપી દેવાનું છે.

ડમી ગ્રાહક જ્યારે સ્પા સેન્ટરમાં ગયો ત્યારે તેને મેનેજર સાથે ભાવ નક્કી કર્યો હતો અને બાદમાં યુવતી સાથે મસાજ કરાવવા માટે ગયો ત્યારે તેણે મિસકોલ મારીને તરત જ સિગ્નલ આપી દીધું હતું. ઓઢવ પોલીસે તરત જ રેડ કરી લીધી હતી.

જેમાં રાહુલ વાણંદ, નિકુલ દેસાઇ, સાદ એહમદ નબી, શોએબ અને રવિ પ્રજાપતિની ધરપકડ કરી હતી. રાહુલ વાણંદ સ્પા સેન્ટરનો માલિક છે અને નિકુલ દેસાઇ મેનેજર તરીકે ફરજ બજાવે છે. સ્પે સેન્ટરમાં મીઝોરમ, નાગાલેન્ડ તેમજ અન્ય રાજ્યોની કુલ આઠ યુવતીઓ હતી. જેમના નિવેદન લઇને છોડી મુકવામાં આવ્યા છે. ઓઢવ પોલીસે કુલ પાંચ લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.