ગોધરા,
વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ આજે રી-ડેવલપડ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવા સાથે ગાંધીનગર-વારાણસી અને મહેસાણા- વરેઠા મેમુને પણ વર્ચ્યુલી લીલી ઝંડી બતાવી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવી હતી. ૨૪ કલાકમાં ગાંધીનગર કેપિટલથી વારાણસી પહોંચાડતી આ સુપરફાસ્ટ ટ્રેન આણંદ અને છાયાપુરી થઈ ગોધરા પહોંચી ત્યારબાદ તેને ઉજ્જૈન તરફ આગળ જવા કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા દેશના સર્વાંગી વિકાસની કૂચ સતત વેગીલી રહી છે. ગાંધીનગર-વારાણસી, મહેસાણા- વરેઠા મેમુ સહિતના રેલ પ્રકલ્પો અને ગાંધીનગરના રીડેવલપ્ડ રેલવે સ્ટેશનનું લોકાર્પણ એ જ દિશામાં વધુ એક મજબૂત પગલું છે.
આ અગાઉ, ટ્રેન પ્લેટફોર્મ પર આવતા પોલીસબેન્ડની સૂરાવલીઓ દ્વારા તેનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કવાંટ નૃત્ય જૂથ દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સર્વ સુમનબેન ચૌહાણ, નિમિષાબેન, જિલ્લાના અગ્રણી અશ્ર્વિનભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ, નાયબ પોલીસ અધિક્ષક સી.સી. ખટાણા, પ્રાંત અધિકારી ગોધરા એન.બી. રાજપૂત, મામલતદાર ગોધરા વિજય આંટીયા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.