કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાઆર્યમન સિંધિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, મહાઆર્યમન સિંધિયાએ જણાવ્યું છે કે, હાલમાં તેની રાજનીતિમાં આવવાની કોઈ યોજના નથી. મધ્યપ્રદેશના ગ્વાલિયરના શાહી પરિવારના 27 વર્ષીય સંતાને કહ્યું કે, તે રાજકારણને બદલે ક્રિકેટ લીગ શરૂ કરવાની દિશામાં કામ કરી રહ્યો છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાઆર્યમન સિંધિયાએ કહ્યું કે, રાજકારણ એ સમાજમાં પરિવર્તન લાવવાનું એક માધ્યમ છે, પરંતુ હાલમાં મારી રાજનીતિમાં આવવાની કોઈ યોજના નથી. મહાઆર્યમને કહ્યું કે, મહાત્મા ગાંધીએ એકલા હાથે દક્ષિણ આફ્રિકા અને ભારતમાં બિનરાજકીય ક્રાંતિની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, માત્ર એક વ્યક્તિ પણ સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે અને આ માટે તેણે રાજકારણમાં આવવાની જરૂર નથી.
આ દરમિયાન જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે, તેના પિતાના સમર્થકોને આશા છે કે, એક દિવસ તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનશે ત્યારે મહાઆર્યમન સિંધિયાએ કહ્યું કે, આશા રાખવી એ દરેકનો અધિકાર છે, પરંતુ હું અત્યારે આ વિષય પર ચર્ચા કરવાનું પસંદ નહીં કરું. અમે ફક્ત આ સમયે અમારું કામ શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર અને ગ્વાલિયર ડિવિઝન ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA)ના સભ્ય મહાઆર્યમન સિંધિયાએ જણાવ્યું હતું કે, તેઓ ગ્રામીણ વિસ્તારોમાં રમત પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે ક્રિકેટ લીગ શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.