જામનગર બાદ હવે તળાજામાં હાર્ટ એટેકથી યુવકનું દુ:ખદ અવસાન

ભાવનગર, ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવ સતત બની રહ્યા છે. જામનગરમાં ગરબા રમતા-રમતા ૧૯ વર્ષીય યુવકના મૃત્યુ બાદ વધુ એક હાર્ટ એટેકથી મોતનો બનાવ સામે આવ્યો છે. જેમાં તળાજા મામલતદાર કચેરી ખાતે રેશનકાર્ડ કઢાવવા લાઈનમાં ઉભેલા યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા અરવિંદ કુર્ણાશંકરભાઈ પંડ્યા નામના યુવક ગતરોજ રેશનકાર્ડ કઢાવવા માટે તળાજા મામલતદાર કચેરી ખાતે ગયા હતા. જ્યાં રેશનકાર્ડ કઢાવવા માટે લાઈન હતી. જેથી અરવિંદભાઈ પણ પોતાના રેશન રેશનકાર્ડના બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ માટે લાઈનમાં ઊભા હતા. આ દરમિયાન તેઓ અચાનક જ ઢળી પડ્યા હતા.

જે બાદ મામલતદાર કચેરી ખાતે હાજર લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવીને અરવિંદભાઈને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક યુવકને લાઇનમાં ઉભા હતા તે દરમિયાન હાર્ટ એટેક આવી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તળાજામાં હાર્ટ એટેકથી યુવકનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગરમાં ૧૯ વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જામનગરના ગરબા ક્લાસીસમાં ૧૯ વર્ષીય વિનીત કુંવરિયા ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક જ ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિનીત કુંવરિયાના અકાળે અવસાનને લઇ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

આ પહેલા રાજકોટમાં ચા પીધા બાદ હાર્ટ એટેક આવતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનનો અને હાલ કોઠારિયા રોડ પર આવેલ તિરુપતિ નગરમાં રહેતો અશોક નાયક નામનો યુવક રાબેતા મુજબ સાઈટ પર કલર કામ કરવા માટે ગયો હતો. જ્યાં સાઈટ પાસે ચા પીધા બાદ અશોક અચાનક ઢળી પડ્યો હતો. જેથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જેમાં ઈએનટી સ્ટાફે અશોક નાયકને મૃત જાહેર કર્યો હતો. અશોક નાયકના મૃત્યુથી ૩ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી, તો પરિવારમાં પણ માતમ છવાયો હતો.