ગરબે રમતા-રમતા પછી હવે બસમાં જ અમદાવાદના યુવાનને હાર્ટએટેક

અમદાવાદ, રાજ્યમાં યુવાનોના જે રીતે હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે તે જોતાં તો એવું જ લાગે છે કે હવે જવાની ખરેખર ચાર જ દિવસની છે. હજી ગઇકાલે જામનગર એક યુવાન ગરબે રમતારમતા મૃત્યુ પામ્યો. હવે અમદાવાદમાં પણ હર્ષ સંઘવી નામના યુવાનનું મોત થયું છે. ખાનપુરમાં હર્ષ સંઘવી નામના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે.

૨૯ વર્ષનો આ યુવાન હર્ષ સંઘવી બે દિવસ માટે રાજસ્થાનના પ્રવાસે ગયો હતો. તે સમયે તે પરત ફરી રહ્યો હતો ત્યારે તેને બસમાં જ હાર્ટએટેક આવતા તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ યુવક પરિણીત છે અને તેને બે વર્ષની દીકરી પણ છે.

આમ એક સ્ત્રીએ તેનો પતિ ગુમાવ્યો અને બે વર્ષની બાળકે પિતા ગુમાવ્યા. આ યુવક વેપારી હતો અને તે ઘરેથી જ બધુ કામ કરતો હતો. અમદાવાદ જ નહીં ભાવનગરમાં રહેતો ૩૨ વર્ષનો યુવાન પણ રેશનિંગ કાર્ડની લાઇનમાં હતો ઊભો હતો ત્યારે ત્યાં જ તેને હાર્ટએટેક આવતા તે ત્યાં ઊભાને ઊભા ઢળી પડ્યો હતો. આમ રાજ્યમાં એક જ દિવસમાં બે યુવાનોના મોત હાર્ટએટેકથી થયા છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં એક જ દિવસમાં ત્રણ યુવાનના મોત થયા હતા.