વડોદમાં ઝઘડો શાંત કરાવી રહેલા યુવકને માથામાં ધારિયું મારતા મોત

આણંદ : આણંદ તાલુકાના વડોદ ગામે ખોડિયાર માતાવાળા ફળિયામાં સોમવારે રાત્રે ઘરનો દરવાજો ખખડાવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં ઝઘડો શાંત પાડવા માટે પ્રયત્ન કરી રહેલા ૨૩ વર્ષીય યુવકને પાંચ શખ્સોએ ભેગા મળી ઝઘડો કરી એકે માથામાં  ધારીયાનો ઘા મારી દેતા યુવકનું મોત થયું હતું. આ અંગે વાસદ પોલીસે હત્યાનો ગુનો નોંધી પાંચેય શખ્સોને ઝડપી પાડયા હતા.

વડોદ ગામે રહેતો ૨૩ વર્ષીય વંદનસીંહ છાસટીયા સોમવારે રાત્રે પોતાના મિત્ર કીરપાલ પરમાર સાથે ગામમાં આવેલા એક ગલ્લા ખાતે ગયો હતો. જો કે ગલ્લા ઉપર હાજર શૈલેષભાઈ રમણભાઈ જાદવ અને રવિ ઉર્ફે બુધો અર્જુનભાઈ જાદવે કીરપાલ પરમારને મારા ઘરે આવીને ઘરનો દરવાજો કેમ ખખડાવતો હતો તેમ કહી ઝઘડો કર્યો હતો. દરમિયાન વંદનસીંહએ ઝઘડો કરી રહેલા શખ્સોને શાંત પાડવા પ્રયત્નો કર્યા હતા. 

ત્યારે બંનેનું ઉપરાણુ લઈને જયેશ ઉર્ફે મખ્ખી કનુભાઈ જાદવ, જગદીશ ઉર્ફે તગારી અમરસીંહ જાદવ અને અર્જુનભાઈ રમણભાઈ જાદવ લાકડીઓ લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને કીરપાલ તથા વંદનસીંહને માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન શૈલેષભાઈ જાદવે નજીકમાંથી ધારીયું લઈ આવી વંદનસીંહને માથાના ભાગે મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડયો હતો. તે સમયે આસપાસના લોકો એકત્ર થઈ જતા પાંચેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 

બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા યુવકને તુરત જ સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. 

આ અંગે વાસદ પોલીસે પાંચેય શખ્સો વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી શૈલેષભાઈ રમણભાઈ જાદવ, રવિ ઉર્ફે બુધો અર્જુનભાઈ જાદવ, જયેશ ઉર્ફે મખ્ખી કનુભાઈ જાદવ, જગદીશ ઉર્ફે તગારી અમરસીંહ જાદવ અને અર્જુન રમણભાઈ જાદવને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.