
નવીદિલ્હી, ભારતીય ટીમે એશિયન ગેમ્સ ૨૦૨૩ની હાંગઝોઉમાં ભવ્ય શરૂઆત કરી છે. ભારતે તેનો પહેલો મેડલ ૨૪ સપ્ટેમ્બરે જીત્યો હતો અને ત્યારથી જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. આ સંસ્કરણમાં ભારતીય ટીમ ૧૦૦ થી વધુ મેડલના લક્ષ્ય સાથે તેના અગાઉના શ્રેષ્ઠ પ્રદર્શન (૭૦ મેડલ) ને વટાવી જશે તેવી અપેક્ષા છે. એશિયન ગેમ્સ ૨૦૨૩ના ચોથા દિવસે પણ ઘણા મેડલ ભારતની ઝોળીમાં આવી શકે છે.
ભારતે ૨૫ મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ટીમે આ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારત પાસે હવે ૪ ગોલ્ડ મેડલ છે.
એશિયન ગેમ્સ ૨૦૨૩ના ચોથા દિવસે ભારતને ૫૦ મીટર રાઈફલ ઈવેન્ટમાં પહેલો મેડલ મળ્યો. ભારતે ૫૦ મીટર રાઈફલ ૩ પોઝિશન મહિલા ટીમ ઈવેન્ટમાં ૧૭૫૪ પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય ટીમમાં આશી ચૌક્સી, માનિની કૌશિક અને સિટ કૌર સમરા સામેલ છે.
સાઇકલિંગમાં ભારતના ડેવિડ બેકહામ અને રોનાલ્ડો સિંઘ બંને વ્યક્તિગત સ્પ્રિન્ટ ઇવેન્ટના આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય થયા છે. બેકહામનો સમય ૧૦.૦૩ હતો. તે ૯મા ક્રમે રહ્યો હતો. રોનાલ્ડોનો ૧૦.૦૮૬ હતો, જે ૧૩મા ક્રમે રહ્યો હતો. ટોચના ૧૬ ખેલાડીઓ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધે છે.