
- રૂ.5206 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
- પહેલા તો હું વાર-તહેવારે બોડેલી આવતો: PM મોદી
- ‘મેં છોટાઉદેપુરના અનેક ગામોમાં રાતવાસો કર્યો છે’
- છોટાઉદેપુરની પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ છેઃ PM મોદી
PM Modi Gujarat Visit Update: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે. સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણીમાં ભાગ લીધા બાદ પીએમ મોદી અત્યારે છોટાઉદેપુરના બોડેલી ખાતે પહોંચ્યા છે. જ્યાં પીએમ મોદીએ રૂ.5206 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જે બાદ વિશાળ જનસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે આજે હું ઘણા દિવસે બોડેલી આવ્યો છું, પહેલા તો હું વાર-તહેવારે બોડેલી આવતો હતો.

ગ્રામ પંચાયતોને વાઈફાઈ પહોંચાડવાનું કામ પૂરું થયુંઃ વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટાના વિકાસની ભેટ આપવાનો મને મોકો મળ્યો છે. 5 હજાર કરોડ રૂપિયાના વિકાસના કામોના શિલાન્યાસ અને લોકાર્પણનો મને અવસર મળ્યો છે. ગુજરાતના 22 જિલ્લા અને સાડા સાત હજાર ગ્રામ પંચાયતોને વાઈફાઈ પહોંચાડવાનું કામ આજે પૂરું થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે મોબાઈલ અને ઈન્ટરનેટ એ કંઈ નવું નથી. ગામડાઓમાં રહેતી માતા અને બહેનો પણ તેનો ઉપયોગ જાણે છે. છોકરો બહાર નોકરી કરતો હોય તો વીડિયો કોલ કરવાનું જાણે છે. ઈન્ટરનેટની ઉત્તમ સુવિધા ગ્રામ્ય વિસ્તારના લોકોને મળવાની છે.

પહેલા હું બસમાં અહીં આવતોઃ નરેન્દ્ર મોદી
તેઓએ કહ્યું કે, મારા માટે તો મુખ્યમંત્રી પહેલા પણ અહીંની ધરતી સાથે, અહીંના ગામડાઓ, અહીંના પરિવારો સાથે મારો નાતો રહ્યો છે અને આ બધુ કંઈ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બન્યા પછી થયું છે એવું નથી. એનાથી પણ પહેલા ત્યારે તો હું સામાન્ય કાર્યકર્તા તરીકે બસમાં આવતો અને બસમાં જતો. લીંબડી, કાલોલ, હાલોલ.. આ મારો રૂટ રહેતો. બસમાં આવવાનું અને બધાને મળીને કાર્યક્રમમાં હાજરી આપીને પાછું જવાનું. નારેશ્વર પણ મારે ઘણીવાર જવાનું થતું. મેં અનેક ગામોની મુલાકાત લીધી છે, અનેક ગામમાં રાતવાસો કર્યો છે.
‘આજે મારી જૂની-જૂની યાદો તાજી થઈ છે’
પીએમ મોદીએ કહ્યું કે, હું જીપમાં આવતો હતો, ત્યારે ખૂબ જૂના-જૂના લોકોના દર્શન કરવાનો મોકો મળ્યો. જૂની-જૂની યાદો તાજી થઈ. મેં છોટાઉદેપુરની સ્થિતિ-પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ છે. સરકારમાં આવ્યા બાદ મને એવું થયું કે મારે આ આદિવાસી પટ્ટાનો વિકાસ કરવો છે. આદિવાસી ક્ષેત્રોનો વિકાસ કરવો છે. આ માટે હું અનેક યોજનાઓ લઈને આવ્યો અને જેના દરેક લોકોને લાભ મળી રહ્યા છે. આજે છોટાઉદેપુર જિલ્લાને જોઈને લાગ્યું કે તે વખતનો પરિશ્રમ આજે રંગ લાવી રહ્યો છે.
ગુજરાતની બહેનો હવે લખપતિ દીદી બની ગઈ છેઃ PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, સારી શાળાઓ-રસ્તાઓ બન્યા છે, પાણીની સુવિધા મળવા લાગી, મકાનો સારા બની ગયા. આટલા ઓછા સમયમાં દેશભરમાં આજે 4 કરોડથી વધુ પાકા ઘરો બનાવી દીધા છે. વચ્ચે કોઈ વચેટિયો જ નહીં, સીધા ખાતામાં પૈસા જમા થયા અને તેમને મજા આવે એવું ઘર બનાવ્યું છે. એક-એક ઘર દોઢ-દોઢ બે-બેલાખ રૂપિયાના બન્યા છે. એટલે મારી ગુજરાતની લાખો બહેનો હવે લખપતિ દીદી બની ગઈ છે. દોઢ-બે લાખનું મકાન હવે એના નામે થઈ ગયું છે એટલે એ લખપતિ દીદી થઈ ગઈ છે. મારા નામે હજુ ઘર નથી પણ મારા દેશની લાખો દીકરીઓના નામે ઘર કરી દીધા છે. પાણીના સંકટનો પણ આપણે પડકાર જીલી લીધો. આજે નળથી જ જળ આવે એની વ્યવસ્થા કરી છે. ભૂતકાળમાં આપણે ઘણા ખરાબ દિવસો જોયા છે. તમારી વચ્ચે રહી સુખ-દુ:ખ જોઈ તેના નીકાલ કરવાના કાર્યો કર્યા છે.
પહેલાં બાળકોને શાળા છોડવી પડતી હતીઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કવાંટમાં એક જમાનામાં બહું પાછળ રહેતું, આજે સ્કીલ ડેવલ્પમેન્ટનું કાર્ય થઈ રહ્યું છે. કવાંટમાં રિઝનલ વોટર સપ્લાયનું કામ પૂરું કર્યું. શિક્ષણના ક્ષેત્રમાં નિરંતર નવા-નવા પ્રયોગો થઈ રહ્યા છે. શિક્ષકોની નિયુક્તિ માટે 2 લાખ શિક્ષકોની ભરતી માટે અભિયાન ચલાવ્યું. પહેલાં બાળકોને શાળા છોડવી પડતી હતી, મારા પરિવારજનો છેલ્લા 2 દશકથી આપણે શિક્ષણ અને સ્કિલ ડેવલોપમેન્ટના કાર્ય પર ભાર આપ્યો છે. આદિવાસી સમાજના પટ્ટામાં 5 નવી મેડિકલ કોલેજો શરૂ કરી છે. આદિવાસી ગામોમાં વનધન કેન્દ્રો ખોલ્યાં છે. આઝાદીના અમૃતકાળની આ શરૂઆત ખૂબ સરસ થઈ છે. નવી-નવી પરિયોજનાઓ દ્વારા આપણે આ વિસ્તારનો વિકાસ કરીશું અને આટલી મોટી સંખ્યામાં આવીને તમે મને આશીર્વાદ આપ્યા હું આપનો આભાર માનું છું.