અમદાવાદ, ગુજરાતનુ આરોગ્ય કથળી રહ્યું છે એવુ અમે નહિ આંકડા કહી રહ્યાં છે. ગુજરાતમાં હદયરોગ, કેન્સર અને કિડનીના દર્દીઓમાં વધારો થયો છે. રાજ્યમાં આરોગ્યની સુવિધા સામે અનેક સવાલ ઉઠ્યા છે. કોરોના પછી રાજ્યમાં ઠેરઠેર હદયરોગના કેસમાં બમણો વધારો થઈ રહ્યો છે. એક વર્ષમાં હૃદયરોગના ૩ લાખ ૩૭ હજાર ૨૬૬ કેસ નોંધાયા છે. તો લાખો રૂપિયાના ખર્ચ પછી પણ ટીબીના કેસ વધ્યા છે. ૧ વર્ષમાં ટીબીના ૧ લાખ ૪૮ હજારથી વધુ કેસ નોંધાયા છે.
ગુજરાત સરકાર આરોગ્ય વિભાગમાં દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયા ફાળવે છે. છતાં ગુજરાતીઓનું આરોગ્ય કથળી રહ્યું છે તેવું આંકડા પૂરવાર કરી રહ્યાં છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમા નબળી સુવિધા જોવા મળી છે. કોરોનાકાળ બાદ હૃદયરોગના કેસો બમણા થયા છે. તો ક્ષયમુક્ત ગુજરાતના નામે લાખો ખર્ચ્યા બાદ પણ ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. વિકાસના મોડલ તરીકે ઓળખાતુ ગુજરાત હવે બીમાર બન્યું. એમ કહી શકાય કે રૂપિયાવાળુ ગુજરાત માંદુ પડ્યું છે. ગુજરાતમાં હાર્ટએટેક, ટીબી, હૃદયરોગ, કેન્સર, કિડની સહિત અન્ય રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
એક તરફ સરકાર સ્વસ્થ ગુજરાતના ગુનગાન ગાય છે, પરંતુ આરોગ્ય વિભાગ રોગોને કાબૂ લાવવામાં નિષ્ફળ નીવડ્યું છે. આરોગ્ય વિભાગના આંકડા કહે છે કે, વર્ષ ૨૦૨૦-૨૧ ની સરખામણીમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં રોગોનું પ્રમાણ વધ્યું છે. ને તેમાં તો કોરોના બાદ તો તોતિંગ વધારો આવ્યો છે.
તબીબોનું માનવું છે કે, આના માટે ગુજરાતીઓની લાઈફસ્ટાઈલ કારણભૂત છે. વધતા રોગોને કાબૂમાં નહિ લેવાય તો હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધતી જશે. છેલ્લાં કેટલાક સમયથી હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યાં છે. હવે તો યુવા અને નાની વયના બાળકોને પણ હાર્ટએટેક આવી રહ્યાં છે. જે પુરાવા છે કે ગુજરાતનું સ્વાસ્થય નબળું બન્યું છે. તો બીજી તરફ, ગુજરાતમાં ૧ હજારથી વધુ દર્દીઓ કિડની મેળવવા માટે વેઈટિંગ લિસ્ટમાં છે. એક તરફ અંગદાન વયુ હોવા છતાં કિડનીના વેઈટિંગ લિસ્ટમાં વધારો થયો છે.