
જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુલી ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જયેશ રાદડિયા, ઇફકોના ડિરેક્ટર દિલીપભાઈ સંઘાણી, મેમ્બર ઓફ રાજ્યસભા કેસરીદેવસિંહ ઝાલા સહિતના મહાનુભાવો વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો હતો. જયેશ રાદડિયાએ હુંકાર ભરતા કહ્યું હતું કે હું રાજકીય માણસ છું, પરંતુ સહકારી ક્ષેત્રમાં રાજકારણને બાજુએ મૂક્યું છે અને નિ:સ્વાર્થભાવે ખેડૂતોની સેવા કરીએ છીએ. આ ટોળકીને ખુલ્લી ચેલેન્જ છે, જો લડવું હોય તો મેદાનમાં આવી જાવ.
તેમણે કહ્યું કે, મારા પિતાજી વિઠ્ઠલ રાદડિયા હતા ત્યારે પણ પાંચ લોકોની ટોળકી સહકારી ક્ષેત્રને બદનામ કરવા માટે સક્રિય હતી. પેઢી બદલાય છે. પહેલા વિઠ્ઠલભાઇ ડેરીના ચેરમેન હતા આજે હું ડેરીનો ચેરમેન છું પરંતુ આ પાંચ લોકોની ટોળકી હજુ વિરોધ જ કરે છે અને આ ટોળકી પાંચના ક્યારેય છ થવાના નથી ઇ ના ઇ જ રહેવાના છે.
જામકંડોરણાના કુમાર છાત્રાલય ખાતે રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ યોજાઈ હતી. વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખનું સેવા સન્માન, અકસ્માત વીમા ચેક વિતરણ અને સહકારી શિબિરનું આયોજન કરાયુ હતું. રાજ્યમાં વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને રૂ. ૧૪,૭૮૦ કરોડનું પાક ધીરાણ અને રૂ. ૬૮૦ કરોડનું મધ્યમ અને લાંબી મુદતનું ધીરાણ મળ્યું છે.