મુંબઇઃ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને બીજા ક્રમના ધનિક વ્યક્તિ ગૌત્તમ અદાણી એરપોર્ટ સેક્ટરમાં પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયત્નશીલ છે. હવે ગૌત્તમ અદાણીના માલિકીના અદાણી ગ્રૂપ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન પોતાના હાથમાં લઇ લીધુ છે. અદાણી ગ્રૂપના વડા ગૌત્તમ અદાણીએ સોશિયલ મીડિયા સાઇટ પર ટ્વિટ કરીને મંગળવારે આ માહિતી આપી છે
ગૌત્તમ અદાણીએ ટ્વિટ કર્યુ કે – વર્લ્ડ ક્લાસ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટને ટેકઓવર કરીને અમે ઘણા ખુશ છીએ. મુંબઇને ગૌરવપૂર્ણ અનુભવ કરાવવો અમારું વચન છે અને અમે તેને પૂર્ણ કરવામાં સફળ રહીશું. અદાણી જૂથ બિઝનેસ, લક્ઝરી અને મનોરંજન માટે ભવિષ્યનું એરપોર્ટ ઇકોસિસ્ટમ બનાવશે. અમે હજારો સ્થાનિક લોકોને નવું રોજગાર આપીશું.
ઉલ્લેખનિય છે કે, ભારતના મુખ્ય એરપોર્ટ્સના સંચાલનને ખાનગી હાથમાં આપવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2019માં બિડ મંગાવાઇ હતી. તેમાં અદાણી ગ્રૂપને અમદાવાદ, લખનઉ, જયપુર, મંગલુરૂ, ગુવાહાટી અને તિરુવનંતપુરમના એરપોર્ટનું સંચાલન કરવાનો કરાર મળ્યો હતો. આ એરપોર્ટોને સંચાલિત કરવા માટે અદાણી ગ્રૂપ પાસે 50 વર્ષનો કરાર છે. અદાણી ગ્રૂપે એરપોર્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં GMR જેવા મોટા પ્લેટરને મ્હાત આપી આ કરાર મેળવ્યો હતો.
મુંબઈ એરપોર્ટનું અગાઉ GVK Group દ્વારા સંચાલન કરવામાં આવતું હતું. અદાણી ગ્રૂપે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)માં GVK Groupની ભાગીદારી ખરીદીને તેનું મેનેજમેન્ટ મેળવ્યું છે. અદાણી જૂથની MIALમાં પહેલેથી જ 23.5% હિસ્સો છે.