
નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સોમવારે ઉદયપુરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા બાદ દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં બંનેના સમર્થકોએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ પણ હાથ જોડીને સૌનો આભાર માન્યો હતો. સિંદૂર અને પીળા સૂટમાં પરિણીતી ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે રાઘવ ચઢ્ઢા ચોકલેટી રંગના કુર્તા પર નેહરુ જેકેટમાં જોવા મળ્યો હતો.
આ દરમિયાન એરપોર્ટ પર હાજર ફોટો જર્નાલિસ્ટ દ્વારા ફોટોગ્રાસ લેવા માટે રોકાવા વિનંતી કરવામાં આવી હતી. આ દંપતીએ કોઈને નિરાશ કર્યા નથી. બંનેની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કડક સુરક્ષા વચ્ચે બંને પોતાની કારમાં સવાર થયા.
પરિણીતી-રાઘવના લગ્નની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. બંને વેડિંગ ડ્રેસમાં એકબીજાના કોમ્પ્લિમેન્ટ કરતા જોવા મળે છે. બંનેનો વેડિંગ લૂક સિમ્પલ છતાં ક્લાસી હતો. રાઘવનો હાથ પકડીને પરિણીતી લગ્ન સ્થળે પ્રવેશી અને તેનું મોટું સ્મિત સ્પષ્ટપણે કહી રહ્યું હતું કે, તેના દિલમાં શું છે.
પરિણીતીએ પોતે લગ્નની તસવીરો શેર કરી છે. એક તસવીરમાં પરિણીતીના મહેંદી લગાવેલા પગ દેખાય છે. રાઘવનો હાથ પણ દેખાઈ રહ્યો છે, જેમાં તેણે પગનો અંગૂઠો પકડી રાખ્યો છે. તમને જણાવી દઈએ કે, બહેન પ્રિયંકા ચોપરા પરિણીતી અને રાઘવના લગ્નમાં હાજર રહી શકી ન હતી. રાઘવ ચઢ્ઢા પંજાબથી આમ આદમી પાર્ટીના સાંસદ છે. તે જ સમયે, પરિણીતી ચોપરાએ લેડીઝ વર્સીસ રિકી બહલ, શુદ્ધ દેશી રોમાન્સ અને ઇશકઝાદે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ખાસ વાત એ છે કે, પરિણીતીનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે, તે ક્યારેય કોઈ રાજનેતા સાથે લગ્ન નહીં કરે.