નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી વિકાસકામોના લોકાર્પણોની ભેટ પ્રધાનમંત્રી ગુજરાતને આપશે

નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી વિકાસકામોના લોકાર્પણોની ભેટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતને આપશે…પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી શુક્રવાર તા.૧૬ જુલાઇ-ર૦ર૧ના રોજ ગુજરાતને અનેકવિધ વિકાસકામોની ભેટ આપશે…ગાંધીનગરના નવિનીકરણ પામેલા અદ્યતન રેલ્વે સ્ટેશન-૩૧૮ રૂમની સુવિધાસભર ફાઇવસ્ટાર હોટેલના વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે…સાયન્સસિટીમાં રૂ. ર૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી-૧ર૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી રોબોટીક ગેલેરી અને રૂ. ૧૪ કરોડના ખર્ચે આકાર પામેલા નેચર પાર્ક એમ ત્રણ નવિન પ્રકલ્પોની ભેટ આપશે…ગાંધીનગરને વારાણસી સાથે જોડતી નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપી પ્રારંભ કરાવશે…સુરેન્દ્રનગર-પીપાવાવ ર૬૬ કિ.મીટર રેલ્વે ઇલેકટ્રીફિકેશન કામગીરીનો લોકાર્પણ ગાંધીનગર-વરેઠા મેમુ સેવાનો શુભારંભ કરાવશે….પ્રધાનમંત્રીની વતન ભૂમિ વડનગરને સાંકળી લેતા મહેસાણા-વરેઠાના ઇલેકટ્રીફાઇડ બ્રોડગેજ રેલ ખંડનો પ્રજાપર્ણ કરાશે…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિડીયો કોન્ફરન્સથી આ કાર્યક્રમોમાં જોડાશે…
મુખ્યમંત્રી વિજય રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ-રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ-રાજ્યમંત્રી દર્શના જરદોશ અને ગુજરાત મંત્રીમંડળના મંત્રીઓ ગાંધીનગરમાં આ કાર્યક્રમોમાં પ્રત્યક્ષપણે સહભાગી થશે…પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી શુક્રવાર તા.૧૬ જુલાઇ-ર૦ર૧ના રોજ ગુજરાતને અનેકવિધ વિકાસકામોની ભેટ આપશે…વડાપ્રધાન આગામી શુક્રવારે બપોરે ૪ કલાકે પાટનગર ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશન, ૩૧૮ રૂમની સુવિધા ધરાવતી આધુનિક ફાઇવસ્ટાર હોટેલના વર્ચ્યુઅલ લોકાર્પણ સહિત સાત જેટલા વિવિધ વિકાસકામોના નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ તેમના કરકમળો દ્વારા કરશે…પ્રધાનમંત્રીની પ્રેરણાથી ગુજરાતને વૈશ્વિક સ્તરે ઊદ્યોગ, વેપાર, પ્રદર્શની જેવા રાષ્ટ્રી-આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવા વિશાળ મહાત્મા મંદિરનું નિર્માણ થયેલું છે.

હવે, આ મહાત્મા મંદિરની નજીકમાં જ ૭૪૦૦ સ્કેવર મીટરમાં અંદાજે રૂ. ૭૯૦ કરોડના ખર્ચે આકાર પામેલી ૩૧૮ રૂમની અદ્યતન હોટલ અને અતિઆધુનિક રેલ્વે સ્ટેશન આ ત્રણેય સ્થળો નજીક-નજીક હોવાથી ગાંધીનગરમાં વૈશ્વિક કોન્ફરન્સ, ગ્લોબલ એકઝીબિશન, સેમિનાર્સ જેવા ઇવેન્ટ માટે આવનારા દેશ-વિદેશના લોકોને વધુ સુવિધા અને સગવડતા મળતી થશે. એટલું જ નહિ, ગુજરાત અને ગાંધીનગર માટે પણ આ નવિન અણમોલ નજરાણું બની રહેશે.

વડાપ્રધાન આ લોકાર્પણની સાથે સાયન્સ સિટીમાં નિર્માણ પામેલા ત્રણ નવિન આકર્ષણોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે. તદઅનુસાર રૂ. ર૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી એકવેટિક ગેલેરી, જ્યાં અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ ભારતનું સૌથી મોટું એકવેરિયમ હશે અને મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે તે તૈયાર કરવામાં આવ્યું છે. આ એકવેરિયમમાં શાર્ક સહિત ઘણાં પ્રકારની જળચર પ્રજાતિઓ માટે અલગ અલગ ૬૮ ટેન્ક છે. ખાસ ર૮ મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે. આ એકવેટિક ગેલેરીમાં ૧૮૮ પ્રજાતિઓના ૧૧,૬૦૦થી પણ વધુ માછલીઓ એક છત નીચે જોઇ શકાય છે. ગેલેરીમાં ૧૦ અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. જેમ કે ઇંડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસીયન્સ ઓફ ધી વર્લ્ડ અને અન્ય દરિયાઇ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થીએટર છે તેનો લોકાર્પણ કરશે.

સાયન્સ સિટ પરિસરમાં રૂ. ૧ર૭ કરોડના ખર્ચે ૧૧૦૦૦ સ્કેવર મીટર વિસ્તારમાં નિર્મિત અત્યાધુનિક રોબોટિક ગેલેરીમાં ૭૯ પ્રકારના ર૦૦થી વધુ રોબોટ છે. પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિ છે. તેમજ આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલ હ્યુમનોઇડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યકત કરતાં મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે.

ગેલેરીના અલગ અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને તેની ઉપયોગીતાનું પ્રદર્શન છે, જેમ કે મેડિસિન, એગ્રીકલ્ચર, સ્પેસ, ડીફેન્સ અને રોજિંદા જીવનમાં ઉપયોગી રોબોટ્સ. રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલ ભોજન રોબો વેઇટર્સ દ્વારા પીરસવામાં આવશે, તે સુવિધાઓનું પણ ઉદઘાટન વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલ માધ્યમથી કરશે.

ત્રીજું નવિન આકર્ષણ રૂ. ૧૪ કરોડના ખર્ચે નિર્માણ થયેલો નેચર પાર્ક છે જે ર૦ એકરમાં પથરાયેલો છે. આ નેચર પાર્કમાં મિસ્ટ બાંબૂ ટનલ, ઓકસીજન પાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ અને ખાસ બાળકો માટે તૈયાર કરાયેલ પ્લે એરિયા છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભુલભુલૈયા પણ છે.
વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઊંડેડ સ્લોથ બેર, ઊધઇના રાફડા અને મધપૂડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે. મુલાકાતને યાદગાર બનાવવા સેલ્ફી કોર્નર પણ છે તેવા નેચર પાર્કનું પણ ઉદઘાટન પ્રધાનમંત્રી કરશે.

વડાપ્રધાનના હસ્તે આ વર્ચ્યુઅલ લોકાર્પણો સાથે રેલ્વે સેવાઓના પણ ચાર જેટલા નવતર આયામોના લોકાર્પણ થવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરથી વારાણસીને જોડતી નવી સાપ્તાહિક સુપરફાસ્ટટ્રેનનો વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપી પ્રારંભ કરાવશે. એટલું જ નહિ, તેઓ ગાંધીનગરથી વરેઠા મેમુ સેવાનો પણ વર્ચ્યુઅલ શુભારંભ કરાવવાના છે.

વડાપ્રધાનની વતનભૂમિ વડનગર રેલ્વે સ્ટેશન સહિતના મહેસાણા-વરેઠા ઇલેકટ્રીફાઇડ બ્રોડગેજ રેલ ખંડનો વર્ચ્યુઅલ લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે થશે તેમજ સુરેન્દ્રનગરથી પીપાવાવ ર૬૬ કિ.મીટર રેલ્વે ઇલેકટ્રીફિકેશન કામગીરીનો પણ વર્ચ્યુઅલ લોકાર્પણ તેઓ કરવાના છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આ કાર્યક્રમોમાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થશે. ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલ્વે રાજયમંત્રી અને સુરતના સાંસદ દર્શનાબહેન જરદોશ તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ પ્રત્યક્ષપણે ઉપસ્થિત રહેશે