વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઑફ કરાવ્યુ હતુ. જામગનર સ્ટેશન પરથી સાંસદ પૂનમબેન માડમે લીલીઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું.ટ્રેન નં. 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન મંગળવાર સિવાયના બધા 6 દિવસ ચાલશે.
જામનગરના સાંસદ પૂનમ માડમે ટ્રેનની મુસાફરી દરમિયાન જણાવ્યુ કે, ‘નારીશક્તિના સંકલ્પબળે સૌરાષ્ટ્રની ગતિશક્તિ વધારતી સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેનમાં મુસાફરીના એક નારી તરીકેના ગૌરવ સાથે હાલાર અને સોરઠ ધરા પર આ વિશ્વાસ વરસાવવા બદલ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર.’
તમને જણાવી દઈએ કે જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સાંજે 5.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.35 કલાકે જામનગર પહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી સવારે 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે.
જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેન નં. 22925 અને 22926 માટે બુકિંગ 24 સપ્ટેમ્બરથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે.
ટ્રેનના ભાડાની વાત કરીએ તો તે રૂ.955થી 1985, જામનગરથી અમદાવાદ માટે ચેરકારનું ભાડું રૂ. 955 અને એક્ઝક્યુટીવ ચેર કલાસનું ભાડું રૂ. 1790 રાખવામાં આવ્યું છે. જયારે અમદાવાદથી જામનગર આવવા માટે ચેર કલાસનું ભાડું રૂ.1120 અને એક્ઝીક્યુટીવ કલાસનું ભાડું રૂ. 1985 છે.