મુખ્યમંત્રી મમતા બેનર્જી પગાર નથી લેતા તો સ્પેનની લક્ઝરી હોટલમાં કેવી રીતે રોકાયા: બેનર્જીની મુલાકાત પર કોંગ્રેસનો સવાલ

કોલકતા, પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી સ્પેનના પ્રવાસે છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જીના સ્પેન પ્રવાસ પર સવાલ ઉઠાવ્યા છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જ્યારે રાજ્યમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે ત્યારે સીએમ મમતા બેનર્જી કેવી રીતે વિદેશ જઈ શકે છે. તે લોકોના દર્દને સમજી શક્તી નથી. અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જીના સ્પેનની લક્ઝરી હોટલમાં રોકાવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

મુર્શિદાબાદમાં પત્રકારો સાથે વાત કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, ’અમે રાજ્ય સરકારને પહેલેથી જ ચેતવણી આપી હતી કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના કેસ વધશે. આ સરકાર સામાન્ય જનતા પ્રત્યે બેદરકાર છે. તેઓ (મુખ્યમંત્રી મમતા બેનર્જી) સ્પેન જઈ શકે છે પરંતુ તેઓ સામાન્ય લોકોની પીડાને સમજી શક્તા નથી. મમતા બેનર્જી સ્પેનની એક લક્ઝરી હોટલમાં રોકાયા હોવાના સમાચાર પર તેમણે કહ્યું, ’અમે સાંભળ્યું છે કે સીએમ પગાર નથી લેતા અને તે પોતાના પુસ્તકો અને પેઇન્ટિંગ્સ વેચીને પોતાનો ખર્ચ ઉઠાવે છે. આવી સ્થિતિમાં, તે મેડ્રિડની એક લક્ઝરી હોટલમાં કેવી રીતે રહી શકે, જેનું ભાડું ૩ લાખ રૂપિયા પ્રતિ દિવસ છે?

મમતા બેનર્જીના વિદેશ પ્રવાસની ટીકા કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, ’આ વિદેશ પ્રવાસ પર કેટલો ખર્ચ થઈ રહ્યો છે? અહીં કયા ઉદ્યોગપતિ રોકાણ કરી રહ્યા છે? લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો. જો સરકાર દ્વારા વિશ્ર્વ બંગાળી ઉદ્યોગપતિ પરિષદના આયોજન પર ખર્ચવામાં આવેલી રકમના ૧૦ ટકા પણ પરત કરવામાં આવે તો તે બંગાળના લાખો બેરોજગાર લોકોને રોજગાર આપશે. અમે જાણવા માંગીએ છીએ કે કઈ સ્પેનિશ કંપની બંગાળમાં રોકાણ કરી રહી છે?

શાંતિ નિકેતનને યુનેસ્કો હેરિટેજ સાઈટમાં સ્થાન મળવા પર કોંગ્રેસ સાંસદે કહ્યું કે શાંતિ નિકેતનને કોઈ પુરાવાની જરૂર નથી, તેની પોતાની ઓળખ છે. પહેલા જુઓ કે શાંતિનિકેતનમાં એવું વાતાવરણ છે કે જે રવીન્દ્રનાથ ટાગોરને જોઈતું હતું! દરરોજ આરએસએસ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઝઘડા થાય છે. સંસદમાં મહિલા અનામત બિલ પાસ થવા પર અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તે લોકોની વાસ્તવિક સમસ્યાઓથી ધ્યાન હટાવવા માટે લાવવામાં આવ્યું છે. મોદી સરકાર ચૂંટણી પહેલા આવા મુદ્દાઓ લાવી રહી છે, જેમાં મહિલા અનામત બિલ અને વન નેશન, વન ઇલેક્શન જેવા મુદ્દા સામેલ છે.