ઓવૈસીએ રાહુલ ગાંધીને હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો

 AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી તેમના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે હવે તેણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે પડકાર ફેક્યો છે જેમાં તેમણે રાહુલ ગાંધીને વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડવા કહ્યું છે. 

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને આગામી લોકસભાની ચૂંટણી વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી લડવાનો પડકાર ફેંક્યો છે. ઉલ્લેખનીય છે કે ઓવૈસી હૈદરાબાદના સાંસદ છે. સુત્રોમાંથી મળતા સમાચાર અનુસાર ગઈકાલે AIMIM સાંસદ પોતાના સંસદીય ક્ષેત્ર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા તે  દરમિયાન તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર ફેંકું છું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના લોકો ઘણું કહેશે. ગમે તે થાય, હું તૈયાર છું. કોંગ્રેસના શાસનમાં બાબરી મસ્જિદ અને સચિવાલય મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.

હાલમાં જ સંસદમાં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું છે, જેમાં AIMIM સિવાય તમામ વિરોધ પક્ષોએ બિલની સમર્થનમાં મતદાન કર્યું હતું. આના પર ઓવૈસીએ નામ લઈને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને RJDને પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે તમે સંસદમાં મુસ્લિમનું નામ પણ ન લીધું. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને લાલુ યાદવની પાર્ટી RJD સંસદમાં મુસ્લિમનું નામ લેવામાં ડરે છે. મેં સંસદમાં ઉભા થઈને કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ અને OBCને આરક્ષણ મળવું જોઈએ.