નવીદિલ્હી, ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યા મુદ્દે કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ થયા છે. તેવા સમયે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર સકંજો ક્સવાનું શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટનમાં રહેતા ખાલિસ્તાની આતંકીઓની ઓળખ કરીને તેમના ઓસીઆઈ કાર્ડ રદ કરવા અને ભારતમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા, તેમની સંપત્તિઓ જપ્ત કરવા સંબંધિત ઓથોરિટીને નિર્દેશ આપી દીધા છે. ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ સરકારનું આ સૌથી મોટું પગલું મનાય છે.
છેલ્લા કેટલાક સમયથી અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં રહેતા ખાલિસ્તાની આતંકીઓ ભારતીય દૂતાવાસો પર હુમલા કરી રહ્યા છે. ભારતીય રાજદ્વારીઓની હત્યા માટે ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવી રહ્યા છે અને ભારત વિરોધી તેમનો એજન્ડા ચલાવી રહ્યા છે. આથી કેન્દ્ર સરકારે હવે તેમના વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું છે.
કેનેડા સાથે વિવાદ વચ્ચે ભારતે ત્યાં વિઝા સેવા બંધ કરી દીધી છે ત્યારે ભારતીય મૂળના ઓસીઆઈ કાર્ડધારકો તેનો ઉપયોગ કરીને ભારત આવી શકે છે. પરિણામે તેમનો ભારત પ્રવેશ રોકવા માટે સરકારે ખાલિસ્તાની આતંકીઓના ઓસીઆઈ કાર્ડ રદ કરવા આદેશ આપ્યા છે.ઓવરસીઝ સીટિઝનશિપ ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) ભારતીય મૂળના લોકો અને તેમના જીવનસાથીને અપાતું કાર્ડ છે, જે તેમને ભારત પ્રવેશ અને દેશમાં અનિશ્ર્ચિતકાળ સુધી રોકાવાની સુવિધા પૂરી પાડે છે.
ભારત સરકારે કેનેડામાં વિઝા સેવા બંધ કર્યા પછી ઓસીઆઈ કાર્ડ અંગે અનેક પ્રકારના સવાલો ઊઠયા હતા. એક મીડિયા રિપોર્ટમાં અધિકારીઓને ટાંકીને કહેવાયું હતું કે, સરકારે માત્ર વિઝા સેવા બંધ કરી છે. તેનાથી ઓસીઆઈ સેવા પર અસર નહીં પડે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, જેમની પાસે ભારતના વિદેશી નાગરિક કાર્ડ (ઓસીઆઈ) જેવા દસ્તાવેજ છે તેઓ ભારતનો પ્રવાસ કરવા સ્વતંત્ર છે. જોકે, હવે સરકાર ખાલિસ્તાની આતંકીઓને ભારતમાં પ્રવેશ કરતાં રોકી રહી છે. આ કાર્ડ રદ થવાથી તેઓ ભારતમાં તેમના પરિવારજનોને મળી નહીં શકે. વધુમાં સરકારે ખાલિસ્તાનીઓ અને તેમના સમર્થકોની ભારતમાં સંપત્તિ જપ્ત કરવા પણ તૈયારી હાથ ધરી છે.
દરમિયાન ખાલિસ્તાની આતંકી અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત પન્નુની સંપત્તિ જપ્ત કર્યાના બીજા દિવસે નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઈએ)એ બ્રિટન, અમેરિકા, કેનેડા, દુબઈ, પાકિસ્તાન અને અન્ય દેશોમાં રહેતા ૧૯ ભાગેડૂ ખાલિસ્તાની આતંકીઓની યાદી તૈયાર કરી છે. સુરક્ષા એજન્સીએ આ આતંકીઓની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી કરી છે. આ આતંકીઓ પર આકરા આતંકવાદ વિરોધી કાયદા યુએપીએ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે એનઆઈએએ શનિવારે પંજાબના ચંડીગઢમાં ગુરપતવંત પન્નૂનું ઘર જપ્ત કરી લીધું હતું. અમૃતસરમાં તેની માલિકીની જમીન પણ જપ્ત કરી લેવાઈ છે. હવે સરકારે અન્ય ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
એનઆઈએએ જાહેર કરેલી યાદીમાં બ્રિટનમાં છુપાયેલા પરમજીતસિંહ પમ્મા, કુલવંતસિંહ મુઠડા, સુખપાલ સિંહ, સરબજિત સિંહ બેનૂર, કુલવંતસિંહ ઉર્ફે કાંતા, ગુરમીતસિંહ ઉર્ફે બગ્ગા, ગુરપ્રીતસિંહ ઉર્ફે બાઘી, દુપીન્દર જીત, અમેરિકામાં છુપાયેલા જેએસ ધાલિવાલ, હરીતસિંહ ઉર્ફે રાણા સંગ, હરજાપસિંહ ઉર્ફે જપ્પી દિંઘ, અમરદીપસિંહ પુરેવાલ, એસ. હિમ્મત સિંહ, કેનેડામાં રહેતા જસબિતસિંહ રોડે અને જતિન્દરસિંહ ગ્રેવાલ, ઑસ્ટ્રેલિયામાં છુપાયેલા ગુરજંતસિંહ ધિલ્લો, પાકિસ્તાનમાં રહેતા વાધવાસિંહ બબ્બર ઉર્ફે ચાચા, રણજિતસિંહ નીતા, યુએઈમાં રહેતા જસમીનસિંહ હકીમઝાદાનો સમાવેશ થાય છે.