પ્રાઈવેટ ક્લિનિકમાં એર કંડિશનરમાંથી ઠંડીના કારણે બે બાળકોના મોત થયા

મુઝફરનગર, ઉત્તર પ્રદેશના મુઝફરનગરને અડીને આવેલા શામલી જિલ્લાના કૈરાના વિસ્તારમાં એક ખાનગી ક્લિનિકમાં રખાયેલા બે નવજાત શિશુઓનું રવિવારે કથિત રીતે એર કંડિશનરની ઠંડીને કારણે મોત થયું હતું. પોલીસે આ અંગે માહિતી આપી હતી. કૈરાના પોલીસ સ્ટેશનના પ્રભારી નેત્રપાલ સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે મૃત બાળકોના પરિવારજનોની ફરિયાદના આધારે ડૉ. નીતુ વિરુદ્ધ દોષિત હત્યાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

દરમિયાન આરોગ્ય વિભાગે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. એડિશનલ ચીફ મેડિકલ ઓફિસર ડૉ.અશ્ર્વની શર્માએ જણાવ્યું હતું કે આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, બસેરા ગામના રહેવાસી નાઝીમ અને કૈરાનાના રહેવાસી સાકિબના બે નવજાત બાળકોને શનિવારે સારવાર માટે સ્થાનિક ખાનગી ક્લિનિકના ફોટોથેરાપી યુનિટમાં રાખવામાં આવ્યા હતા.એવો પણ આરોપ છે કે ડૉ. નીતુએ રાત્રે સૂવા માટે એર કંડિશનર ચાલુ કર્યું હતું અને રવિવારે સવારે પરિવારજનો જ્યારે બાળકોને જોવા ગયા ત્યારે બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા.

બંને બાળકોનો જન્મ શનિવારે કૈરાનાના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થયો હતો અને બાદમાં તે જ દિવસે તેમને ખાનગી ક્લિનિકમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન, પીડિત પરિવારોએ આ ઘટના પર વિરોધ કર્યો હતો અને ડૉ. નીતુ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.