ગોધરા,
ગોધરા તાલુકા એરંડી ગામ ખાતે અસ્થિર મગજની મહિલાએ પોતાની ૮ વર્ષની નાનકડી બાળકી સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે સ્થાનિક લોકોની મદદથી પાણી ભરેલ કુવામાંથી માતા અને દીકરીની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી મુજબ ગોધરા તાલુકાના ઓરવાડા ગામના બલુપુરા ફળિયામાં રહેતા આશિષભાઈ કિરીટભાઈ પટેલ પોતાના કામ અર્થે સંતરોડ ગામ ખાતે ગયા હતા ત્યારે તેમની અસ્થિર મગજની પત્ની રેખા પોતાની નાની બાળકી આઠ મહિનાની રિયા સાથે ઘરેથી નીકળી ગઈ હતી. આશિષ પોતાનું કામ પતાવીને ઘરે આવતા પોતાની પત્ની અને દીકરી રિયા જોવા નહી મળતા ફળિયામાં અને ગામમાં શોધ કરવા છતાં નહીં મળી આવતા પોતાની સાસરી એરંડી ગામ ખાતે જાણ કરી હતી. એરંડી ગામ ખાતે ખેતરમાં આવેલ એક પાણી ભરેલા કૂવામાં અસ્થિર મગજની મહિલા રેખા અને આઠ મહિનાની બાળકી રિયાની લાશ પાણીમાં તરતી જોવા મળતા સ્થાનિક જાગૃત ગ્રામજનએ બનેલા બનાવની જાણ તાલુકા પોલીસને કરતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકોની મદદથી પાણી ભરેલા કૂવામાંથી માતા અને દીકરીની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. એરંડી ગામ ખાતે આ બનેલ આ બનાવને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા સાથે પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે સાસરીમાંથી રેખા પોતાની દીકરી રીયા સાથે પિયરમાં કઈ રીતે આવી અને પાણી ભરેલા કૂવામાં તેને પોતાની દીકરી સાથે જાતે આપઘાત કર્યો કે પછી માતા દીકરીની હત્યા તો કરવામાં નથી આવી ને ? એવા અનેક સવાલો હાલ ચર્ચાનો મુદ્દો ગ્રામજનો માં બની જવા પામ્યો છે.