સિગરેટ માટે મિત્રએ મિત્રની કરી નાંખી હત્યા, ત્રણ દિવસમાં જ સુરત પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત ગાર્ડનમાં યુવકની કરપીણ હત્યા કેસ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપી મિત્રની ધરપકડ કરી છે. મૃતક અને આરોપી બંને એકસાથે લુમ્સ ખાતામાં કામ કરતા હતા.જે ત્રણ દિવસ રાત્રિના સમયે ભેસ્તાન ખાતે આવેલા ગાર્ડનમાં બંને જોડે બેઠા હતા. જ્યાં દુકાનેથી સિગારેટ લઈ આવવા બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. જ્યાં નશામાં ધૂત આરોપીએ પોતાના જ મિત્ર પર દંડા વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી હતી.

સુરત શહેરમાં હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓનો ગ્રાફ દિન-પ્રતિદિન વધતો જઇ રહ્યો છે. ડાયમંડ સિટી તરીકે જાણીતા શહેરમાં હત્યા જેવા બનાવો શહેરની સ્વચ્છ છબીને ખરડાવી રહ્યા છે. જોકે, બનતા ગુનાઓ સામે ડિટેકશનનો ગ્રાફ પણ તેટલો જ ઊંચો રહ્યો છે. આવી જ એક ઘટનામાં સુરતની પાંડેસરા પોલીસને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે. પાંડેસરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત મદનલાલ ધીંગરા ગાર્ડનમાંથી 18મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમય દરમિયાન બેભાન લોહીથી લથપથ હાલતમાં એક યુવક મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ થતાં સ્થળ પર પોંહચેલી પાંડેસરા પોલીસે તાત્કાલિક યુવકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.

માથાના ભાગે દંડા વડે ઉપરાછાપરી માર મારવાના કારણે ગંભીર ઇજાઓ થતાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પાંડેસરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક કલ્લુ જગરૂપ ઉર્ફે નૈના નિશાદ ભેસ્તાન વિસ્તારમાં આવેલ લુમ્સ ખાતામાં કામ કરતો હોવાની હકીકત પરિવારજનો તરફથી જાણવા મળી હતી.

જેથી પાંડેસરા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અમાવસ રામ પરવેશ મહંતો નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. જે શખ્સને અટકાયતમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી પડી ભાંગ્યો હતો અને જાતે પોતાના મિત્રની હત્યા કરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી. આરોપી અમાવસ રામ પરવેશ મહંતોએ પોલીસને જણાવ્યું હતું કે, 18મી સપ્ટેમ્બરના રોજ પોતે અને તેનો મિત્ર કલ્લુ જગરૂપ ઉર્ફે નૈના નિશાદ ભેસ્તાન ખાતે આવેલા લુમ્સ ખાતા નજીક મનપા સંચાલિત મદનલાલ ધીંગરા ગાર્ડનમાં રાત્રિના સમયે જોડે બેઠા હતા. જે વેળાએ કલ્લુ જગરૂપે તેને દુકાનેથી સિગારેટ લઈ આવવા જણાવ્યું હતું. પરંતુ આરોપી અમાવસ મહંતોએ સિગારેટ લેવા જવાનો ઇનકાર કર્યો હતો. જેથી બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી.

કલ્લુ જગરૂપે અભદ્ર શબ્દો બોલતા આરોપી અમાવસ મહંતો રોષે ભરાયો હતો. જે બાદ લાકડી વડે માથાના ભાગે ઉપરાછાપરી જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયો હતો. જે ઘટનામાં કલ્લુનું મોત નીપજ્યું હતું. જોકે આરોપીએ પોલીસને એ પણ જણાવ્યું હતું કે, પોતાના મિત્રને જાનથી મારી નાંખવાનો કોઈ તેનો ઇરાદો ન હતો. પરંતુ થયેલી બોલાચાલ અને માથાકૂટમાં ગુસ્સામાં આવી તેણે પોતાના જ મિત્રની હત્યા કરી નાંખી હતી. આમ પાંડેસરા પોલીસે હત્યાના માત્ર ત્રણ દિવસની અંદર જ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઘટનામાં મૃતક અને આરોપી બંને એકસાથે લુમ્સ ખાતામાં નોકરી કરતા હતા.જ્યાં માત્ર સિગારેટ લઈ આવવા બાબતે બંને મિત્રો વચ્ચે થયેલ માથાકૂટ અને બોલાચાલ હત્યા સુધી લઈ ગઈ હતી.હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે.