ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં બાલા ભગતના ચોકમાં રહેતા યુવકને આંતરી ત્રણ શખ્સે છરીના ઘા મારી ફઈની નજર સામે જ હત્યા કરી નાખી નાસી છુટયા હતા. જ્યારે માતા અને પુત્રને પણ ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
ખુન ના બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગત રાત્રે 11 વાગ્યે શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલા બાલા ભગતના ચોકમાં રહેતા અને મજુરી કામ કરતા દિપકભાઈ તુલસીભાઈ મેર ઉ.વ. 35), તેના ફઈ નિકીતબેન રામભાઈ બારૈયા (ઉ.વ. 40), ફઈના દિકરા માનવ રામભાઈ બારૈયા (ઉ.વ. 21) ઉપર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં આવેલા મામાકોઠા રોડ, 60 ફળીના નાકા ઉપર આંતરી કિશન ધીરુભાઈ રાઠોડ, રોહિત ઉર્ફે બાપુ રમેશ સોલંકી અને મહેશ ઉર્ફે મયલો નામના ત્રણ શખ્સે હિચકારો હુમલો કરી છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દેતા માતા-પુત્ર અને ભત્રીજાને ગંભીર હાલતે તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યા ગંભીર રીતે ઘવાયેલા દિપકભાઈ તુલસીભાઈ મેરને ફરજ પરના ડોકટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. જયારે હોસ્પિટલ બિછાને માનવભાઈની સ્થિતી ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ રક્ત રંજીત બનાવના પગલે ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. અને લોકો ઉમટી પડયા હતા.
જ્યારે બનાવની જાણ થતા સી ડિવિઝન પોલીસ, એલસીબી પોલીસ, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. આ બનાવ અંગે ઇજા પામનાર નિકિતાબેન રામશંકર બારૈયા એ કિશન ધીરુ રાઠોડ ,રોહિત ઉર્ફેરા બાપુ રમેશ સોલંકી તથા મહેશ ઉર્ફે મયલો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જુની અદાવતમાં આ બનાવ બન્યાનું જાહેર થયું છે.