રેલવે ટ્રેક સિંહો માટે ઘાતક:સાવરકુંડલા રેન્જમાં ખડકાળા નજીક મહુવા-બાંદ્રા ટ્રેનની એડફેટે સિંહણનું મોત

અમરેલી જિલ્લામાં સાવજો માટે રેલવે ટ્રેક કાળમુખો બની રહ્યો છે. વાંરવાર સાવજોના ટ્રેન હડફેટે અકસ્માતોની ઘટના હવે દિનપ્રતિદિન રીતે વધી રહી છે. અતિ ચિંતા જનક અને જોખમી બની રહી છે. મોડી રાતે સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામ નજીક રેલવે ટ્રેક ઉપર મહુવા બાંદ્રા ટ્રેન પસાર થતી વખતે 1 સિંહણ હડફેટે આવી જતા સિંહણને પીઠના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું. 52 નંબરના ફાટક પાસે ઘટના બનતા અડધો કલાક સુધી ટ્રેન ઉભી રહી હતી અને ત્યારબાદ સાવરકુંડલા રેન્જ વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

વનવિભાગ દ્વારા મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી છે. પેસેન્જર ટ્રેન હોવાને કારણે અકસ્માત બાદ પેસેન્જરોમા થોડીવાર ભયનો માહોલ છવાયો હતો. ઘટનાને લઈ સિંહપ્રેમીઓમાં પણ ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. વાંરવાર સિંહોના ટ્રેન અડફેટે મોત થવાના કારણે સિંહોના મોતની ઘટનાઓ સતત વધી રહી છે જેના કારણે સિંહોની સુરક્ષાને લઈ સૌથી મોટા સવાલો ઉઠી રહ્યા છે.

સમગ્ર ઘટનાને લઈ ધારી ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, 3 થી 5 વર્ષની સિંહણનું ટ્રેન અડફેટે મોત થયું છે. મહુવા-બાંદ્રા ટ્રેન સાથે અકસ્માત થયો હતો. અહીં સિંહોના અકસ્માત ન થાય તે માટે રેલવે ટ્રેકરો પણ કામ કરી રહ્યા છે.