ભારતથી સાવધાન રહો,ભારતને હરાવવું સરળ નથી- કામરાન અકમલ

નવીદિલ્હી,વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ માટે તમામ ટીમોએ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. વિશ્ર્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ આઇસીસી વનડે વર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સહિત અન્ય તમામ ટીમોએ પણ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ ટૂર્નામેન્ટને લઈને જો કોઈને સૌથી વધુ ડર છે તો તે પાકિસ્તાન છે. એશિયા કપ ૨૦૨૩માં ભારતે જે રીતે પાકિસ્તાનને હરાવ્યું છે તેનાથી પાકિસ્તાનના મનમાં ભારતને લઈને ડર ઉભો થયો છે.

પાકિસ્તાનને ડર છે કે એશિયા કપની જેમ તેને વર્લ્ડ કપમાં પણ ભારત સામે કારમી હારનો સામનો કરવો પડી શકે છે. ભારત સામે રમતા પાકિસ્તાનનો પહેલેથી જ શરમજનક રેકોર્ડ છે. ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં ૭ વખત વર્લ્ડ કપમાં આમને-સામને આવી ચૂક્યા છે, પરંતુ પાકિસ્તાનને હંમેશા હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડ કપમાં ભારતનો દબદબો હંમેશા અકબંધ રહ્યો છે. આ ડરના કારણે પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર કામરાન અકમલ સતત પાકિસ્તાનને સાવધાન કરી રહ્યો છે. કામરાન અકમલે પાકિસ્તાની ટીમને ચેતવણી આપતા કહ્યું કે, પાકિસ્તાની ટીમ માટે ભારત સાથે મુકાબલો કરવો ખૂબ જ મુશ્કેલ બનશે.

કામરાન અકમલે કહ્યું કે ભારતીય ટીમ ઘણી મજબૂત છે. ભારતની બેટિંગથી લઈને બોલિંગ સુધી બધું જ જબરદસ્ત છે. બેટિંગમાં વિરાટ અને રોહિત દુનિયાના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં સામેલ છે. સાથે શુભમન ગિલે પણ તાજેતરમાં સદી ફટકારી છે. બોલિંગમાં પણ મોહમ્મદ શમી જેવો ખેલાડી બેન્ચ પર બેઠો છે, તેમ છતાં બોલિંગમાં ધાર છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારતીય ટીમ કેટલી મજબૂત છે. તેમણે વધુમાં કહ્યું કે જો પાકિસ્તાનને ભારતથી જીતવું હોય તો તેના માટે વિશેષ તૈયારીઓ કરવી પડશે.