
ખાલિસ્તાન આતંકવાદ મામલે ભારત-કેનેડા વચ્ચેના ઉગ્ર વિવાદ વચ્ચે સાઉદી અરેબિયાએ મોટું નિવેદન આપ્યું છે. રાજદ્વારા વિવાદ વચ્ચે સાઉદી અરેબિયાએ પણ ભારતને આંચકો આપતું કામ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન બિન અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીર અંગે ટિપ્પણી કરી છે. તો બીજીતરફ તુર્કેઈના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને જનરલ ડિબેટમાં સંબોધન દરમિયાન જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે.
ઈસ્લામિક સંગઠન ઓઆઈસી દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ બિન ફરહાને જમ્મુ-કાશ્મીરની મુસ્લિમ વસ્તી પ્રત્યે સમર્થન દર્શાવતા કહ્યું કે, સાઉદી અરેબિયા મુસ્લિમ લોકોની ઈસ્લામિક ઓળખ અને તેમની ગરિમા જાળવવા હંમેશા તેમની સાથે ઉભો છે.
સાઉદી વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ બેઠકમાં સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, સંઘર્ષ અને અશાંતિ સામે ઝઝુમી રહેલ જમ્મુ-કાશ્મીર સહિત કોઈપણ ક્ષેત્ર સાથે સાઉદી અરેબિયા હંમેશા ઉભો છે. સાઉદી અરેબિયા મુસ્લિમ લોકોની ઈસ્લામીક ઓળખ જાળવી રાખવાના પ્રયાસોમાં હંમેશા સાથે ઉભો છે. બેઠકમાં સાઉદી અરેબિયાએ જમ્મુ-કાશ્મીર મુદ્દાને ક્ષેત્રની સુરક્ષા અને અસ્થિરતા માટે ગંભીર પડકાર ગણાવ્યો છે. સાઉદી અરેબિયાએ ચેતવણીના અંદાજમાં કહ્યું કે, જો આ મુદ્દાને ઉકેલવામાં નહીં આવે તો આ ક્ષેત્રમાં અસ્થિરતામાં વધારો થશે.
ફૈસલ બિન ફરહાને વધુમાં કહ્યું કે, સાઉદી અરેબિયા સંઘર્ષમાં સામેલ પક્ષો વચ્ચે મધ્યસ્થતી કરવા, સંઘર્ષના ઘટડાવા અને આંતરરાષ્ટ્રીય પ્રસ્તાવો મુજબ શાંતિપૂર્ણ સમાધાન કરવાના પ્રયાસોમાં હંમેશા સામેલ રહ્યું છે. અમારા આ પ્રયાસો ઈસ્લામી લોકોના સમર્થનમાં સાઉદી અરેબિયાના અતુટ વલણને દર્શાવે છે. આ બેઠકમાં સાઉદી અરેબિયાના આંતરરાષ્ટ્રીય બહુપક્ષીય બાબતોના મંત્રી અને વિદેશ મંત્રી કાર્યાલયના મહાનિદેશકે પણ ભાગ લીધો હતો.