ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ગેહલોતના મહેસૂલ મંત્રી રામ લાલ જાટ ફરી વિવાદોમાં ફસાયા,હવે સીઆઇડી તપાસ કરશે

જયપુર, ગહેલોત સરકારના મહેસૂલ મંત્રી રામ લાલ જાટ કે જેઓ અગાઉની સરકારમાં મહિલાને કારણે વિવાદના કારણે મંત્રીપદ ગુમાવી ચૂક્યા છે તે હવે ચૂંટણી પહેલા ફરી વિવાદમાં ફસાયા છે. પોલીસે મહેસૂલ મંત્રી જાટ અને તેમના ભત્રીજા સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ચોરી, ગુનાહિત કાવતરું, ધમકી અને ૫ કરોડ રૂપિયાથી વધુના વિશ્ર્વાસનો ભંગ કરવાના આરોપમાં બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસે પરમેશ્ર્વર જોષીની ફરિયાદ પરથી આ કાર્યવાહી હાથ ધરી છે. જોશીએ તેમની ફરિયાદમાં કેબિનેટ મંત્રીઓ રામલાલ જાટ, પુરન ગુર્જર, સૂરજ જાટ, મહિપાલ અને મહાવીર પર તેમની અને તેમના પરિવારના સભ્યોની હત્યા, ડાયનામાઈટથી ખાણો ઉડાડવા, સામગ્રી ચોરી અને ગુનાહિત કાવતરું ઘડવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઉપરાંત ફરિયાદીએ એવી પણ શંકા વ્યક્ત કરી છે કે જાટ મંત્રીપદ સંભાળી રહ્યા છે ત્યારે તપાસ ન્યાયી નહીં થાય અને તેમના જાન-માલની સુરક્ષાની પણ માંગણી કરી છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસમંદ એન્ડ હોલ, મુંબઈમાં રહેતા ખાણ વ્યવસાયી પરમેશ્ર્વર જોષીએ કોર્ટ ઈસ્યુ દ્વારા કરેરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. અધિક પોલીસ મહાનિર્દેશકના આદેશ બાદ કેસની તપાસ સીઆઇડી સીબી જયપુર પોલીસ હેડક્વાર્ટરને મોકલવામાં આવશે.

ફરિયાદી પરમેશ્ર્વર જોશી ’મેસર્સ અરવલી ગ્રેની’ના નામે ખાણકામનો ધંધો કરે છે. જોષીએ રઘુનાથપુરા તહેસીલ કરેરામાં માઈનિંગ લીઝ નંબર ૬૭/૧૨ લીધી છે. નોંધણી સમયે, આ કંપનીના માલિકો શ્યામ સુંદર ગોયલ અને ચંદ્રકાંત શુક્લા હતા. કંપનીના રજીસ્ટ્રેશન પહેલા ફરિયાદી જોશીએ શ્યામ સુંદર ગોયલ અને ચંદ્રકાંત શુક્લા પાસેથી રૂ. ૧૦ કરોડની માંગણી કરી હતી. આ કારણે ગોયલ અને શુક્લાએ કંપનીના ૫૦% શેર ફરિયાદી જોશીની પત્ની ભવ્યાને રૂ. ૫ કરોડમાં ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે ગોયલ અને શુક્લાએ બાકીના ૫૦% શેર મહેસૂલ મંત્રી રામલાલને ૫ કરોડ રૂપિયામાં વેચવાનો નિર્ણય કર્યો હતો.

મંત્રીએ આ શેર તેના સંબંધીઓ મોના ચૌધરી અને સુરેશ જાટના નામે ટ્રાન્સફર કરવા અને તેમને ૫ કરોડ રૂપિયા આપવાનું કહ્યું હતું. ફરિયાદી પરમેશ્ર્વરને મોના ચૌધરીની તરફેણમાં ૨૫ ટકા શેર અને સુરેશ જાટની તરફેણમાં ૨૫ ટકા શેર ટ્રાન્સફર થયો હતો. જ્યારે ફરિયાદી જોષીએ મંત્રી જાટ અને અન્ય વ્યક્તિઓ પાસેથી ૫ કરોડ રૂપિયા માંગ્યા ત્યારે તેઓએ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. ફરિયાદી અને તેના પરિવારના સભ્યોને મારી નાખવાની અને ડાયનામાઈટ વડે ખાણ ઉડાવી દેવાની ધમકી આપી હતી.

આ અંગે ફરીયાદીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો ત્યારે ગુનો નોંધાયો ન હતો. ભીલવાડા એસપીને લેખિત રિપોર્ટ આપ્યા બાદ પણ કેસ નોંધવામાં આવ્યો ન હતો. ઊલટું તે મંત્રીના પ્રભાવથી ડરી ગયો. પીડિત ફરિયાદીએ કોર્ટમાં શરણ લીધા બાદ અને ધરપકડ વોરંટ જારી કર્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો.