સુદાન શરણાર્થી શિબિરોમાં મેથી અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ બાળકોના મોત થયા છે તેમ યુનાઇટેડ નેશન્સે એક નિવેદનમાં જણાવ્યું છે. આ ઉપરાંત ચાલુ વર્ષના અંત સુધીમાં નવજાત શિશુ સહિતના અન્ય હજારો બાળકોના મોત થવાનો ભય છે.
છેલ્લા પાંચ મહિનાથી સુદાનની સેના અને પેરામિલિટરી ગુ્રપ રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંને પક્ષો દ્વારા કરવામાં આવતા સતત હુમલા તથા સ્ટાફ અને દવાઓની અછતને કારણે દેશનું હેલ્થકેર સેક્ટર કટોકટીનો સામનો કરી રહ્યું છે.
યુએન રેફ્યુજી એજન્સી (યુએનએચસીઆર)ના ચીફ ઓફ પબ્લિક હેલ્થના વડા ડો. એલેન મેનિયાના જણાવ્યા અનુસાર વ્હાઇટ નિલે સ્ટેટના ૯ કેમ્પમાં ઇથોપિયા અને દક્ષિણ સુદાનના પાંચ વર્ષથી નીચેની ઉંમરના ૧૨૦૦થી વધુ બાળકોના મોત થયા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધુ બાળકોના મોત થવાનો અમને ભય છે કારણકે મેડિકલ સ્ટાફ અને દવાઓની અછત છે.
બીજી તરફ દેશમાં ૩૧૦૦ ઓરીના કેસ અને ૫૦૦ કોલેરાના કેસો પણ સામે આવ્યા છે. તથા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો સતત વધી રહ્યાં છે. તેમના જણાવ્યા અનુસાર ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે દેશમાં ૩,૩૩,૦૦૦ બાળકો પેદા થવાના છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર સુદાનમાં અત્યાર સુધીમાં હેલ્થકેર સેક્ટર પર ૫૬ હુમલા કરવામાં આવ્યા છે. દેશની ૭૦ ટકા થી ૮૦ ટકા હોસ્પિટલો બંધ હાલતમાં છે. દર મહિને ૫૫૦૦૦ કુપોષિત બાળકોને સારવારની જરૃર પડે છે.