શહેરા,મોરવા હડફ તાલુકા પંચાયત કચેરી ખાતે નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે ધારાસભ્ય નિમિષા સુથારની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો હતો. ભાજપ પ્રમુખ, અગ્રણીઓ અને સભ્યો હાજર રહી પ્રમુખ જ્યોતિકા બેન બારીઆ અને ઉપપ્રમુખ સુરેશ નાયકાને પંચાયત નો વહીવટ સરળતાથી ચાલે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મોરવા હડફ ભાજપ શાસિત તાલુકા પંચાયત કચેરીમાં 14 સપ્ટેમ્બરના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે ગુરૂવારના રોજ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, વિજય પટેલ અને ભાજપ અગ્રણી તુષારભાઈ સહિત સભ્યોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખ જ્યોતિકાબેન બારીયા અને ઉપપ્રમુખ સુરેશભાઈ નાયકાએ અઢી વર્ષ માટે ચાર્જ સંભાળ્યો હતો. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ એ ચાર્જ સંભાળતા ધારાસભ્ય નિમિષાબેન સુથાર તેમજ ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓ અને તાલુકા પંચાયત સદસ્યો દ્વારા ફૂલોનું બુકે આપીને અભિનંદન પાઠવીને તાલુકા પંચાયતનો વહીવટ સરળતાથી ચાલે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખે વિજય મુહૂર્તમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ચાર્જ સંભાળ્યા બાદ પ્રમુખ પદે ફરી વખત મહિલાનું શાસન આવ્યુ હોય એમ કહીએ તો નવાઈ નહીં. જ્યારે તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ દ્વારા પણ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને આવકારવામાં આવ્યા હતા.