પાટણ શહેર સહિત પંથકમાં અવિરત વરસાદ વરસ્યો, ઉપરવાસમાં ભારે વરસાદથી સાંતલપુરના ગામડામાં પાણી આવતા અસરગ્રસ્ત બન્યા

હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા ત્રણ દિવસથી પાટણ શહેર સહિત પંથકમાં વરસાદ અવરીત વરસી રહ્યો છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બહાર કામ અર્થે નીકળેલા લોકોએ રેઈનકોટ અને છત્રીનો સહારો લેવો પડ્યો હતો.

પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવરીત વરસાદ વરસી રહ્યો છે. આજે મંગળવારે વહેલી સવારથી જ પાટણ શહેર સહિત વિવિધ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સાંતલપુર તાલુકામાં સવાર થી અત્યાર સુધીમાં 11 MM, રાધનપુરમાં 10 MM, સિદ્ધપુરમાં 10 MM, પાટણમાં 4 MM, હારીજમાં 8 MM, સમીમાં 8 MM, શંખેશ્વરમાં14 MM, અને સરસ્વતી તાલુકામાં 10 MM વરસાદ નોંધાયો હતો. આમ દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્રણ દિવાસથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા.

ઉપરવાસમાં ભારે વરસાદથી સાંતલપુરના ગામો સુધી વરસાદી પાણી આવતા અસરગ્રસ્ત બન્યા હતા, લોદ્રા અને ગાંજીસર ગામના રોડ પર 2 ફૂટ જેટલા પાણી ભરાયા હતા, આ ભરાયેલ પાણીમાંથી લોકો જીવના જોખમે પસાર રહ્યા છે તો ખેડૂતોને ખેતરમાં જવામાં હાલાકી પડી રહી છે.