રાજકોટઃ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા રાજેશ મકવાણા (ઉવ.47) દ્વારા પોતાના બંને બાળકો રોહિત (ઉવ.03) અને હરેશ (ઉવ.13)ને ગત 16 મી તારીખના રોજ ઘરે દવાના બહાના હેઠળ ઝેરી પદાર્થ ખવડાવી હત્યા કરવામાં આવી હતી. જે અંતર્ગત મૃતક બાળકોની માતા હિરલ મકવાણાની ફરિયાદના આધારે રવિવારે બંને પુત્રોની હત્યા કરવાના ગુનામાં પિતા રાજેશ મકવાણાની ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ દરમિયાન સોમવારે ગુનાના કામે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ સંભળાવવામાં આવ્યો હતો. ત્યારે મંગળવારના રોજ સવારના સમયે ગોંડલ સબજેલમાં રાજેશ મકવાણાએ બેરેક નંબર 1માં આવેલા બાથરૂમમાં જઈ ચાદર વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલાની જાણ થતા ગોંડલ સીટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજેશ મકવાણા અને તેની પત્ની હિરલ મકવાણાએ બનાવ બન્યાના પંદર દિવસ અગાઉ જ છૂટાછેડા લીધા હતા. પતિ રાજેશ મકવાણા પત્ની હિરલ મકવાણાના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. તેમજ બંને બાળકો હિરલના નથી તેવું પણ કહેતો હતો. તેમજ રાજેશ મકવાણા કંઈ કામ ધંધો ન કરતો હોવાથી અવારનવાર પત્ની સાથે બોલાચાલી કરી મારઝૂડ પણ કરતો હતો.
આ દરમિયાન બનાવ બન્યાના 15 દિવસ પૂર્વે છુટાછેડા થતા બંને બાળકો પિતા રાજેશ મકવાણા સાથે રહેતા હતા. પત્નીના ગયા બાદ ઘરમાં ત્રણ વર્ષના દીકરાને મૂકીને કઈ રીતે આર્થિક ઉપાર્જન કરે તે ચિંતા પણ રાજેશ મકવાણાને સતાવતી હતી. ત્યારે ગત 15 તારીખે રાજેશ મકવાણા બંને બાળકોને ગોંડલમાં આવેલી દરગાહમાં દર્શન કરવા લઈ ગયો હતો.
ત્યારબાદ ત્યાં ન્યાજની પ્રસાદી પણ લીધી હતી. તેમજ ત્યાંથી ઘરે આવ્યા બાદ ફ્રીજમાં રાખેલું બપોરનું જમવાનું પણ બાળકો જમ્યા હતા. બાળકોએ ભોજન લીધા બાદ રાજેશ મકવાણા દવાના નામે ઝેરી પદાર્થ બંને બાળકોને ખવડાવ્યો હતો. બાળકોએ દવાના નામે ખવડાવવામાં આવનાર ઝેરી પદાર્થ ખાવાની ના પાડતા રાજેશ મકવાણાએ બાળકોને ઈમોશનલી બ્લેકમેલ કરી હવે તમારી મા અને બાપ હું જ છું તેવું કહ્યું હતું.