પંજાબમાં મોટી દુર્ઘટના, ૬૦ મુસાફરો સવાર બસ નહેરમાં ખાબકી, ૫ના મોત

પંજાબના મુક્તસરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કોટકપુરા રોડ પર ઝબેલીવાલી ગામ પાસે એક પ્રાઇવેટ કંપનીની બસ સરહિંદ કેનાલમાં પડી જવાથી પાંચ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 10 લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. જો કે મોતના આંકડાની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. અકસ્માત સમયે બસમાં 60થી 65 લોકો સવાર હતા.

અકસ્માત આજે બપોરે 1 વાગ્યાની આસપાસ થયું હતું. અકસ્માત પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. બસ મુક્તસરથી કોટકપુરા તરફ જઈ રહી હતી. વિભાગીય ધારાસભ્ય જગદીપ સિંહ કાકા બરાડ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બસ ખૂબ જ સ્પીડમાં હતી. કેનાલના કિનારે લગાવેલી લોખંડની ગ્રીલ તોડી બસ કેનાલમાં પડી હતી.  

મુક્તસર અકસ્માત પર મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું, ‘મુક્તસર-કોટકપુરા રોડ પર કેનાલમાં એક પ્રાઈવેટ બસના અકસ્માતના દુખદ સમાચાર મળ્યા. પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે હાજર છે. હું દરેક ક્ષણે બચાવ કાર્યની માહિતી લઈ રહ્યો છું. ભગવાન તમારા બધાને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે. અમે બાકીની વિગતો ટૂંક સમયમાં શેર કરીશું.