સુરતથી દિલ્હી અને મુંબઇ તરફની ટ્રેનનાં પૈડાં થંભ્યા:નર્મદા નદીના પૂરને કારણે ૫૦ હજાર મુસાફરો હેરાન પરેશાન

સોમવારે નર્મદા નદી ગાંડીતૂર બની હતી. જેને કારણે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પાણી ભરાઈ ગયા હતા. જે પાણી રેલવે ટ્રેક પર પહોંચી જતા ટ્રેનોના પૈડા થંભી ગયા હતા. આમ, રેલવે વ્યવહાર ખોરવાતા 50 હજારથી વધારે મુસાફરો પરેશાન થયા હતા. એટલું જ નહીં, ઘણા રેલવે સ્ટેશન પર ટ્રેનો 11 કલાક સુધી મોડી પડી હતી. જે ટ્રેનમાં ફસાયેલા પેસેન્જરોને રેલવેએ ભોજન અને પાણીની વ્યવસ્થા પૂરી પાડી હતી. બાન્દ્રા ગોરખપુર અવધ, લોકશક્તિ સહિતની 13 ટ્રેનો વલસાડ-સુરત વચ્ચે 11 કલા ક સુધી રોકવી પડી હતી. ઉપરાંત શતાબ્દી, તેજસ, વંદે ભારત સહિતની અનેક ટ્રેનો રદ કરાઈ હતી. આમ, ટ્રેનો રદ થતા જ પશ્ચિમ રેલવેએ રિફંડ પણ આપવાનું શરૂ કર્યું હતું. વલસાડમાં અવધ સહિતની 10 મેલ-એક્સપ્રેસ ટ્રેનો 11 કલાક અટવાઈ, ઘણી ટ્રેનો ભેસ્તાન-જંલગાવના રસ્તાથી સુરત આવી હતી.

17 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી 18 સપ્ટેમ્બરના બપોરના 12 વાગ્યા સુધી રેલવે વ્યવહારને ખૂબ અસર પહોંચી. ઘણી ટ્રેનોની વલસાડ સ્ટેશન પર લાઈન લાગી હતી. 19037 બાંદ્રા – બરૌની અવધ એક્સપ્રેસ બોઈસર સ્ટેશન પર પહોંચતા જ ટ્રેન પ્રભાવિત થવા લાગી હતી. આ ટ્રેન કુલ 12 કલાકના વિલંબ સાથે સુરત પહોંચી હતી. લોકશક્તિ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનોની હાલત પણ આવી જ હતી. ઉપરાંત ટ્રેનોમાં ફસાયેલા મુસાફરોને પાણી અને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

અંક્લેશ્વર : નર્મદા નદીના પૂરે અંકલેશ્વર -ભરૂચ માર્ગ ઉખાડી કાઢ્યો. પાથરેલા ડામરના ચોસલા ઠેર ઠેર બહાર આવી ગયા હતા.

અંક્લેશ્વરમાં પૂરના પાણીએ ભારે તારાજી સર્જી છે. નદી કિનારેના નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં પૂરના પાણી પ્રવેશી જતાં લોકોના ઘરમાં 5થી 10 ફૂટ સુધી પાણી ભરાયાં હતાં. પાણીમાં સોસાયટી વિસ્તારમાં તેમજ માર્ગો પર સેંકડો વાહનો પણ પાણીમાં આખે આખા ગરક થઇ ગયાં હતાં. નર્મદા મૈયા બ્રિજ તેમજ સામ્રાજ્ય સોસાયટી પાસે પોલીસે રોડ બ્લોક કરી બંધ કરી દેવાતા 50 હજારથી વધુ વાહન ચાલકોએ હાઇવે ફરવાનો વારો આવ્યો હતો.

મુંબઈ સેન્ટ્રલથી હિસ્સાર હમસફર ટ્રેનમાં આવી રહેલા મુસાફરો રાત્રે 10:30 વાગે ટ્રેનમાં બેઠા હતા ત્યાંથી ભીલાડ આવતા સુધી સવાર પડી હતી. સવારમાં નિંદ્રાધિન મુસાફરો ને ટ્રેનમાં રહેલા સ્ટાફ દ્વારા ફ્રી નાસ્તો હોવાનું જણાવી તમામને નાસ્તો વેચવામાં આવ્યો હતો. ત્યારબાદ અંદાજે 11:00 વાગે સ્ટાફ ફરી એક વખત મુસાફરો પાસે આવ્યો હતો ને નાસ્તાના પૈસા ફરજિયાત ઉઘરાવ્યા હતા.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા શહેર નજીકથી પસાર થતી મહી નદી બે કાંઠે વહેતી થઈ હતી. ફાજલપુર-વાસદ ખાતે મહીસાગર નદીના પાણી ચોતરફ ફરી વળ્યા હતા. તેના કારણે રહેણાક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.

મહિસગાર નદીના પ્રવાહથી મલેકપુર પાસે આવેલ તાંત્રોલી બ્રિજનો સ્લેબ તૂટી ગયો. કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું પાણીના ધસમસતા પ્રવાહમાં તાંત્રોલી બ્રિજનો સ્લેબ ઉખડ્યો છે.

જૂનાગઢઃ સરકારી અધિકારીઓના અણધડ નિર્ણયને કારણે એક વિસ્તાર વરસાદી પાણીથી બચી ગયો. પરંતુ બીજો વિસ્તાર ડૂબી ગયો હતો. રાયજીબાગની જનતાએ દબાણ વધાર્યું તો અણઘડ અધિકારીઓએ 2 કલાક સુધી લાંબી વિચારણા બાદ એ વિસ્તારને ડૂબતો બચાવવા નરસિંહ મહેતા સરોવરમાં પાણી છોડી દેવાયું. પરંતુ એ બધું પાણી દ્વારકાધીશ માર્કેટ નીચેથી સાવ સાંકડા વોંકળામાંથી પસાર થઈને અલકાપુરી માર્ગ ઉપર નદીની જેમ વહેવા લાગ્યું ઝાંઝરડા રોડ ઉપર નબળા રસ્તાઓ ઉપર એક ખાનગી કોલેજની બસ ફાસાઈ ગઈ.

ખેડબ્રહ્માના ઝાંઝવા પણાઈની દેરાણી મીરાબેન સાયબાભાઈ પારગી અને જેઠાણી ભીખીબેન ફતાભાઈ પારગી રવિવાર સવારે 9 વાગે ધુણીયારા જવા માટે નીકળી હતી. બંને વાંઘુ પાર કરવા જતાં પાણીનો પ્રવાહ વધી જતાં બંને તણાતાં ડૂબી જતાં ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવાર સવારે બંને મીઠીબોલી જવા નીકળી હતી દરમિયાન વાંઘાના પાણીમાં તણાતાં મોડી સાંજે બંનેની લાશો મળી હતી.

ઐતિહાસિક નગરી વડનગરમાં 20 ઈંચથી વધુ વરસાદ પડે તો પણ પાણી આજ દિવસ સુધી મકાનોમાં ઘૂસ્યુ નથી. 2750 વરસ જૂની નગરની પિરામિડ આકારની એવી તો સંરચના છે કે આ નગરીમાં વરસાદનુ પાણી નગરની ફરતે બનાવેલા છે દરવાજા થકી બહાર નીકળી સીધું તળાવોમાં એકઠું થાય છે.

એર ઇન્ડિયાની રાતની દિલ્હી વડોદરા, દિલ્હી ફ્લાઈટ સોમવારે રાત્રે દિલ્હીથી જ મોડી ઉપાડતા અંદાજે એક કલાક ઉપરાંત મોડી વડોદરા પહોંચી હતી જેને પગલે અંદાજે 300 મુસાફરો અટવાયા હતા. દિલ્હી એરપોર્ટ પર ટેકનિકલ કારણોથી આ ફ્લાઈટ મોડી ઉપડી હોવાનું જાણવા મળે છે બીજી તરફ હવામાન ખરાબ હોવાને કારણે રેલવે વાર કરવાતા ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા હતા મુંબઈ વડોદરા ફ્લાઇટના ભાવ 19000 રૂપિયા સુધી બોલાયા હતા.