જાંબુઘોડા પોલીસ મથકે વ્યક્તિ સામે નહીં પણ ભૂત સામે અરજી આપતાં આશ્ર્ચર્ય !!

જાંબુઘોડા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી અરજીમાં આરોપી તરીકે કોઈ વ્યક્તિ નહીં પરંતુ ભૂત દર્શાવવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના અરજદાર વરસંગ ભાઈ બારીયા એ જાંબુઘોડા પોલીસ મથકમાં લેખિત અરજી આપી જણાવ્યું છે કે, ખેતરમાં કામ કરતી વખતે ભૂતોની ટોળકી આવી હતી અને આ ટોળકી પૈકીના ૨ ભૂતો દ્વારા તેમને મારી નાખવાની ધમકી આપી હતી. જાંબુઘોડા પોલીસ દ્વારા સમગ્ર મામલે અરજદાર દ્વારા આપેલી અરજી ઇનવર્ડ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા અરજી મળ્યા બાદ તપાસ કરવામાં આવતા અરજદાર વરસંગ બારીયા માનસિક બીમારીથી પીડાતો હોવાનું સામે આવ્યું હતું. જાંબુઘોડા પોલીસ મથકમાં અરજદારએ ભૂતો દ્વારા મારી નાખવાની ધમકી મળ્યા હોવાની અરજી આપવામાં આવી હોવાની વાત જાણીને સૌ કોઈને આશ્ચર્ય થવા પામ્યું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ મથકે કોઈપણ અરજદાર દ્વારા આપવામાં આવતી અરજીને સ્વીકારી અને તેની તપાસ કરવી તે ફરજ બનતી હોય છે. જેને લઈને અરજી સ્વીકારવામાં આવી હતી અને તે બાબતે તપાસ કરવામાં આવતા અરજદાર માનસિક બીમાર હોઈ તેને માનસિક રોગના તબીબની જરૂરિયાત હોઈ તે અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભૂતો દ્વારા પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની અરજી પોલીસ મથકે આપનાર અરજદાર છેલ્લા ૧ વર્ષ ઉપરાંતના સમયથી માનસિક રોગથી પીડાતા હોવાનું તેમના પરિજનો જણાવી રહ્યા છે તેમજ તે રોગ અંગેની સારવાર પણ હાલ ચાલી રહી હોવાનું જણાવી રહ્યા છે. જોકે પોલીસ મથકે આપવામાં આવેલી અરજી પરિજનોની જાણ બહાર જ આપવામાં આવી જોવાનું પણ પરિજનો જણાવી રહ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે માનવતા દાખવીને અરજદારને યોગ્ય સારવાર મળી રહે તે અંગે માનસિક રોગના નિષ્ણાંત સાથે સંપર્ક કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.