લુણાવાડા,
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો ના બાળકો- ભૂલકાઓ માટે સંવેદના સ્પર્શી નવતર અભિગમના ભાગપે રાજ્યભરની આંગણવાડીઓના ૧૪ લાખ બાળકોને વિના મૂલ્યે ગણવેશ વિતરણની ગુજરાત રાજ્યએ આગવી પહેલ કરી છે. મુખ્યમંત્રીએ ૩૬ કરોડ ૨૮ લાખના ખર્ચે આકાર પામેલી આ ગણવેશ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. મહીલા અને બાળ વિકાસ વિભાગ આઇ.સી.ડી.એસની આ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને તેમજ ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં ગણવેશ વિતરણનો ડિજિટલ કાર્યક્રમ જિલ્લા પંચાયત કચેરી મીટીંગ હોલ ખાતે કોવિડ ગાઇડ લાઇનના પાલન સાથે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો. મનીષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી, આઇ.સી.ડી.એસ વિભાગ વડોદરા ઝોન નાયબ નિયામક નેહા કંથારીયા સહિત મહાનુભાવોનું બાળકોએ સર્જનાત્મક કાર્યની ફોટોફ્રેમથી સ્વાગત કર્યું હતું.
ડિજિટલ માધ્યમથી મુખ્યમંત્રીના રાજ્ય કક્ષાના કાર્યક્રમ બાદ પ્રતિક રૂપે ૧૦ બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હાઇજીન કીટ અને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડીંડોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકો માટે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જિલ્લામાં કુલ ૧૩૧૬ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. જેમાં ૩ થી ૬ વર્ષના કુમાર ૧૮૭૮૯ અને ક્ધયા ૧૮૩૪૩ મળી કુલ ૩૭૧૩૨ બાળકોને ગણવેશ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજય સરકારના આ ઉત્તમ અભિગમ થકી આંગણવાડીઓના ભૂલકાઓને એક આગવી ઓળખ પ્રાપ્ત થશે. આ સાથે જ ફરી એકવાર પુરવાર થયું છે કે સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ નાના બાળકોની રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે દરકાર લઈ તેમની સતત ચિંતા કરી રહી છે.
આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકર બહેનોની ઉત્તમ કામગીરીને બિરદાવતા જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતું કે આંગણવાડીમાં આવતા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેમજ બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે કાર્યકર બહેનો સતત પ્રયત્નશીલ રહે છે. બાળકના આરોગ્યની દેખભાળ, રસીકરણ, રેફરલ સેવા, પોષણ, શિક્ષણ વગેરે બાબતે આ બહેનો બાળક માટે માતા યશોદાની ભૂમિકા ભજવે છે અને તેથી જ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદાના ખિતાબથી નવાજવામાં આવે છે.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રિકાબેન ભાભોર, એસ.કે.પટેલ, સી.ડી.પી.ઓ, સુપરવાઇઝરઓ, આઇ.સી.ડી.એસ.વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત આંગણવાડીની બહેનો અને લાભાર્થી ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.